PGVCLનો ‘સ્માર્ટ’ ફતવો સર્વિસ વાયર સાથે મીટર પણ બદલાવાનું !
=> લિવર કે બ્રેકનો વાયર બગડે તો એન્જીન પણ ફરજીયાત બદલવાનું?
સિટી ન્યૂઝ@જામનગર
પીજીવીસીએલનાં સ્માર્ટ મીટરને લઈને જનતામાં વિરોધનો સૂર ઉઠતા સ્માર્ટ મીટર ફરજીયાત લગાડવાનું અભિયાન સ્થગિત કરવાની ફરજ પડી હતી જે પછી હવે પીજીવીસીએલ એ જનતાનું નાક દબાવવા માટે ફતવા જેવા નવા નિયમો ઘડી કાઢ્યા છે. જામનગરમાં એક અરજદારે તેનાં વીજ જોડાણનો સર્વિસ વાયર ખરાબ થતા
બદલાવવા માટેની કવાયત કરતા પીજીવીસીએલ દ્વારા જણાવાયું કે સર્વિસ વાયર બદલાવવો હોય તો મીટર પણ બદલાવવું પડશે અને ફરજીયાત સ્માર્ટ મીટર લાગશે! ઉલ્લેખનીય છે કે અરજદારનાં હાલનાં મીટરમાં કોઈ ખરાબી નથી. પીજીવીસીએલ નાં જ નાખેલા હાલનાં મીટરનાં આધારે જે બિલ આવે છે એ નિયમિત ભરવામાં આવે છે છતાં
પીજીવીસીએલ કહે છે કે સર્વિસ વાયર બદલવો હોય તો મીટર બદલાવવું પડશે. ઉદાહરણરૂપે સમજીએ તો તમારા વાહનમાં બ્રેકનો વાયર - લીવરનો કે ક્લચનો વાયર ખરાબ થઈ જાય તો એ વાયર બદલવાની સાથે બરાબર કામ કરતું આખું એન્જીન પણ બદલવાની ફરજ પડે એ પ્રકારનો પીજીવીસીએલનો નિયમ કોઈને ગળે ઉતરતો નથી. અનેક છબરડાઓ અને ભારે
જનાક્રોશને કારણે સ્માર્ટ મીટર નાંખવામાં પીજીવીસીએલ એ પીછેહઠ કરવી પડતા હવે પીજીવીસીએલ જનતાને ઉંધા કાન પકડાવતી હોય એમ આવા અતાર્કિક નિયમો લાદી રહી છે.જનતાને લાચાર કરી પોતાની મનમાની ચલાવવાની આ રીત લોકશાહીની દ્રષ્ટીએ તો અયોગ્ય જ કહી શકાય ત્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ મૂંગા બની બેઠા છે એ પણ જનતા માટે વિશ્વાસઘાતનાં કરંટ સમાન છે.