ડેસ્ટિનેશન વેડિંગના નામે ધતિંગ: અલમોડામાં સ્મશાનમાં યોજાઈ જયમાલા વિધિ
- ચિતાઓ વચ્ચે લગ્નની રસમો નિભાવતા વિડિયો વાયરલ; સ્થાનિકોમાં ભારે આક્રોશ.
- રામગંગા નદીના કિનારે અશુભ મનાતી જગ્યાએ લગ્ન વિધિ થતા વિવાદ.
- રિસોર્ટ સંચાલકો અને યુગલ સામે ઉઠ્યા સવાલો; પરવાનગી વિના વિધિ યોજાઈ.
સિટી ન્યુઝ @ અલમોડા : ઉત્તરાખંડ સરકાર જ્યારે રાજ્યમાં ડેસ્ટિનેશન વેડિંગને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે કંઈક નવું અને અનોખું કરવાના અભરખામાં એક યુગલે સામાજિક મર્યાદાઓ અને પરંપરાઓને બાજુ પર મૂકી દીધી છે. અલમોડા પાસેના જાણીતા મર્ચુલા હિલ-સ્ટેશન પર એક સ્મશાન ઘાટ પર લગ્નની જયમાલા વિધિ કરવામાં આવી હતી. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે અને સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રામગંગા અને બદનગઢ નદીના સંગમ પાસે એક વર્ષો જૂનું સ્મશાન આવેલું છે. આ જગ્યાનો ઉપયોગ માત્ર અંતિમસંસ્કાર માટે જ કરવામાં આવે છે, પરંતુ એક યુગલે અહીં સળગતી ચિતાઓ અને સ્મશાનના શાંત વાતાવરણ વચ્ચે જયમાલા વિધિ કરી હતી. સામાન્ય રીતે હિન્દુ સંસ્કૃતિમાં સ્મશાનને અશુભ અને વૈરાગ્યની જગ્યા ગણવામાં આવે છે, જ્યાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવતી નથી.
આ વિવાદમાં એવી પણ વિગતો બહાર આવી છે કે આ લગ્ન નજીકના જ એક ખાનગી રિસોર્ટમાં યોજાવાના હતા. રિસોર્ટના સંચાલકો કે આયોજકોએ સ્મશાન ઘાટના સત્તાવાળાઓની કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વિના જ આ પવિત્ર અને સંવેદનશીલ જગ્યાને વેડિંગ ડેસ્ટિનેશનમાં ફેરવી દીધી હતી. આયોજનની કેટલીક વિધિઓ જાણી જોઈને સ્મશાનમાં રાખવામાં આવી હતી જેથી તે સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બની શકે.
સ્થાનિકોનો આરોપ છે કે માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે પરંપરાઓ સાથે ચેડાં કરવામાં આવ્યા છે. અંતિમસંસ્કાર માટે વપરાતી પવિત્ર જગ્યા પર આ પ્રકારે લગ્નના રિવાજો નિભાવવા તે સ્મશાનની ગરિમાનું ઉલ્લંઘન છે. વિડિયો વાયરલ થયા બાદ લોકો વહીવટી તંત્ર પાસે રિસોર્ટ સંચાલકો અને યુગલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
આ ઘટનાએ ડેસ્ટિનેશન વેડિંગના નામે થઈ રહેલા અતિરેક સામે લાલ બત્તી ધરી છે. પ્રવાસન અને નવા અનુભવોના નામે જ્યારે ધાર્મિક સ્થળો કે સ્મશાન જેવી જગ્યાઓનો દુરુપયોગ થાય ત્યારે તે સામાજિક વિવાદનું કારણ બને છે. હાલમાં આ સમગ્ર મામલો અલમોડામાં ચર્ચાનો વિષય બન્યો છે અને પોલીસ તથા વહીવટી તંત્ર આ બાબતે કોઈ પગલાં લે છે કે કેમ તે જોવાનું રહેશે.