ન્યારામાં વેપારી પર હુમલો કરનાર 4 આરોપીઓનો વરઘોડો નીકળ્યો
- કુખ્યાત રમેશ રાણાના 2 પુત્રો સહિત 4 આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
- બજરંગ પાનના સંચાલક પર પાઇપ અને બોટલોથી ખૂની હુમલો કરી આતંક મચાવ્યો હતો
- બંને પક્ષની સામસામી ફરિયાદમાં કુલ 17 માંથી 10 આરોપીઓને જેલહવાલે કરાયા
સિટી ન્યૂઝ@રાજકોટ : પડધરી તાલુકાના ન્યારા ગામે વેપારી બંધુ પર હત્યાનો પ્રયાસ કરનાર કુખ્યાત રમેશ રાણાના પુત્રો સહિત 4 આરોપીઓની પડધરી પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આ આરોપીઓનો ન્યારા ગામમાં જાહેરમાં વરઘોડો કાઢીને તેઓને કાયદાનું ભાન કરાવ્યું હતું. બંને પક્ષે થયેલી મારામારીના ગુનામાં કુલ 17 આરોપીઓ પૈકી અત્યાર સુધીમાં 10 આરોપીઓની ધરપકડ કરી જેલહવાલે કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગત 29 તારીખના રોજ ન્યારા ગામે બજરંગ પાનની દુકાન ચલાવતા અરવિંદભાઈ વઘેરાએ પોતાની દુકાન પાસે કેટલાક શખ્સોને ઝઘડો કરવાની ના પાડી હતી. આ વાતનો ખાર રાખીને 2 બાઈકમાં આવેલા કુખ્યાત રમેશ રાણાના પુત્ર યશ સહિત 7 શખ્સોએ ધોકા, પાઈપ અને સોડાની બોટલો વડે હુમલો કરી ભારે આતંક મચાવ્યો હતો. આ ખૂની હુમલામાં વઘેરા બંધુઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
બનાવ અંગે પડધરી પોલીસે હત્યાનો પ્રયાસ, રાયોટિંગ અને ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પડધરી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.જી. ચૌહાણની ટીમે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી હતી. પોલીસે કુખ્યાતના પુત્રો યશ રમેશભાઈ મકવાણા અને કિશન રમેશભાઈ મકવાણા (રહે. નાની અમરેલી, પડધરી), રાહુલ બાબુભાઈ અખિયાણી (રહે. મોરબી) તથા રોહિત ભુપતભાઈ લખાણીયા (રહે. પડધરી) ની ધરપકડ કરી હતી. રવિવારે સવારે ન્યારા ગામ પાસે આ તમામ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું અને કાયદો વ્યવસ્થાનો પરિચય કરાવવામાં આવ્યો હતો.
સામસામી ફરિયાદમાં કુલ 10 આરોપીઓ જેલના સળિયા પાછળ
ન્યારા ગામમાં બજરંગ પાન પાસે થયેલી આ બઘડાટીમાં બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે હુમલો કરનારા 4 આરોપીઓની ધરપકડ કરી વરઘોડો કાઢ્યો હતો, જ્યારે સામા પક્ષે (ફરિયાદી પક્ષે) પણ સ્વબચાવમાં કે ગુસ્સામાં વળતો હુમલો કર્યો હોવાથી તેમના પક્ષના 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આમ, આ હિંસક મારામારી કેસમાં અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓને જેલહવાલે કરી દેવામાં આવ્યા છે.