Loading Please Wait !!!
વડોદરામાં ચૂંટણી પહેલા જ 'વોટબંધી'ના બેનરો: નિઝામપુરાના રહીશોનો લલકાર- "પાણી નહીં તો વોટ નહીં!"

  • અસ્મિતા પાર્ક સોસાયટીમાં રોષનો જ્વાળામુખી - 30 વર્ષના ભાજપ શાસન બાદ પણ પીવાના પાણી માટે વલખાં
  • ધારાસભ્ય કેયુર રોકડિયાના આશ્વાસન બાદ પણ સમસ્યા જૈસે થે - રહીશોએ સોસાયટીની બહાર લગાવ્યા વિરોધના બોર્ડ
  • કોર્પોરેશન પાસે પાણી છે પણ પ્લાનિંગ નથી - 10 વર્ષની સતત રજૂઆતો છતાં તંત્ર ઘોર નિદ્રામાં

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા જ નેતાઓ પ્રચારમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે, પરંતુ વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. વોર્ડ નંબર-1 ના રહીશોએ વર્ષો જૂની પાણીની સમસ્યાથી કંટાળીને હવે આરપારની લડાઈના મંડાણ કર્યા છે. સોસાયટીઓની બહાર "પાણી નહીં તો વોટ નહીં" ના બેનરો લગાવીને રહીશોએ રાજકીય પક્ષોને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે.

30 વર્ષનો વિશ્વાસ તૂટ્યો? અસ્મિતા પાર્ક સોસાયટીના રહીશોનું કહેવું છે કે તેઓ છેલ્લા 30 વર્ષથી ભાજપને સમર્થન આપતા આવ્યા છે, પરંતુ બદલામાં તેમને પીવાનું શુદ્ધ પાણી પણ મળ્યું નથી. સ્થાનિક રહીશ સમીરભાઈએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, "કોર્પોરેશન પાસે પાણી તો છે, પણ નેતાઓ પાસે આયોજન નથી. અમે દસ વર્ષથી રજૂઆતો કરીએ છીએ પણ પરિણામ શૂન્ય છે." રહીશોમાં એ વાતનો પણ ગુસ્સો છે કે ધારાસભ્ય કેયુર રોકડિયાએ મેયર હતા ત્યારે અને અત્યારે પણ માત્ર આશ્વાસન જ આપ્યા છે, કામ કર્યું નથી.

'નોટા' થી આપશે જવાબ ચૂંટણીમાં વોટ મેળવવા માટે આવતા ઉમેદવારો માટે આ વખતે રસ્તો આસાન નથી. રહીશોએ નિર્ધાર કર્યો છે કે જો કોઈ નિષ્ઠાવાન ઉમેદવાર નહીં હોય અથવા તો કામ કરવાની ખાતરી નહીં મળે, તો તેઓ સામૂહિક રીતે 'નોટા' (None of the Above) માં મતદાન કરશે. રાજકોટમાં પણ અનેક વિસ્તારોમાં પાણી અને રોડ-રસ્તાની સમસ્યાઓ જોવા મળે છે ત્યારે વડોદરાના આ જન-આક્રોશનો પડઘો રાજ્યભરમાં પડી રહ્યો છે. ચૂંટણી જંગ જામતા પહેલા જ જનતાએ નેતાઓને લલકાર્યા છે કે, "કામ કરશો તેને જ વોટ મળશે."