વિદેશ પ્રવાસીઓ માટે આવકવેરાનો નવો નિયમ: 1 એપ્રિલથી ‘ફોર્મ 157’ વગર એરપોર્ટ પરથી પાછા મોકલાશે
-
વાર્ષિક ₹4 લાખથી ઓછી આવક ધરાવતા લોકો માટે પણ એકનોલેજમેન્ટ લેટર ફરજિયાત; ઇમિગ્રેશન હવે માંગશે પુરાવો
-
નવા બજેટમાં દાખલ કરાયેલા ફોર્મ 157 થી અજાણ માતા-પિતાને વિદેશ જવામાં પડી શકે છે મોટી મુશ્કેલી
-
વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝન્સ માટે ઇન્કમ ટેક્સ કચેરીની દોડધામ વધી; નવા કાયદા હેઠળ એરપોર્ટ પર કડકાઈ
ભારત સરકાર દ્વારા ૧ એપ્રિલ ૨૦૨૬ થી આવકવેરાના નવા કાયદાઓ અમલી બનાવવામાં આવ્યા છે, જેના કારણે વિદેશ પ્રવાસ કરવા ઈચ્છતા કરદાતાઓ અને બિન-કરદાતાઓ માટે નવા સમીકરણો સર્જાયા છે. નવા નિયમ મુજબ, જે કરદાતાઓની વાર્ષિક આવક ₹૪ લાખથી ઓછી છે અને તેઓ વેરાપાત્ર આવક ધરાવતા નથી, તેમણે વિદેશ પ્રવાસ કરતા પહેલા આવકવેરા અધિકારી પાસેથી 'નોન ટેક્સેબલ ઇન્કમ' હોવાની જાણ કરતો એકનોલેજમેન્ટ લેટર મેળવવો હવે ફરજિયાત બન્યો છે.
આવકવેરાના નવા કાયદા હેઠળ જો પ્રવાસીએ આવકવેરા અધિકારી પાસેથી આ લેટર લીધો નહીં હોય, તો એરપોર્ટ પર તૈનાત ઇમીગ્રેશન અધિકારી તેમને વિદેશ જવાની મંજૂરી આપશે નહીં. જો દસ્તાવેજ અધૂરો જણાશે તો પ્રવાસીને એરપોર્ટ પરથી જ પાછા મોકલી શકાય તેવી સત્તા અધિકારીઓને આપવામાં આવી છે. ખાસ કરીને ઉનાળાની સીઝનમાં જ્યારે અનેક લોકો વિદેશ પ્રવાસે જતા હોય છે, ત્યારે આ નવા નિયમની જાણકારી ન હોવાને કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
સિનિયર સિટીઝનની કેટેગરીમાં આવતા અને જેમના સંતાનો વિદેશમાં સ્થાયી થયા છે તેવા માતા-પિતા માટે આ નિયમ વધુ મહત્વનો છે. ૨૦૨૬ ના બજેટમાં દાખલ કરવામાં આવેલી 'ફોર્મ ૧૫૭' ની જોગવાઈ વિશે ઘણા લોકો અજાણ છે. ૨૦૨૫ ના નવા આવકવેરા ધારાની કલમ ૪૨૦(૪) હેઠળ, વેરાને પાત્ર આવક ન ધરાવતા વ્યક્તિઓએ ઇન્કમ ટેક્સ વિભાગમાં અરજી કરી હોવાની એકોલેજમેન્ટ રિસીપ્ટ લેવી પડશે. આ રિસીપ્ટને પ્રવાસીના ડિક્લેરેશન તરીકે ગણવામાં આવશે, જે એરપોર્ટ પર રજૂ કરવી અનિવાર્ય છે.
માત્ર વૃદ્ધો જ નહીં, પરંતુ ભારતમાંથી વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓ પર પણ આ નિયમની અસર થશે. મોટાભાગના વિદ્યાર્થીઓની કોઈ ટેક્સેબલ આવક હોતી નથી અને ઘણા પાસે પાનકાર્ડ પણ હોતું નથી. આવા કિસ્સામાં પણ વિદ્યાર્થીઓએ 'ફોર્મ ૧૫૭' ભરીને આવકવેરા કચેરીમાંથી તેના પર સહી કરાવી લેવી પડશે અને ફોર્મ રજૂ કર્યાની પહોંચ મેળવવી પડશે. આ દસ્તાવેજ વગર વિદ્યાર્થીઓને પણ વિદેશી યુનિવર્સિટીઓ સુધી પહોંચવામાં કાયદાકીય અડચણ આવી શકે છે.
આમ, વિદેશ પ્રવાસનું આયોજન કરતા પહેલા હવે માત્ર પાસપોર્ટ કે વિઝા પૂરતા નથી, પરંતુ આવકવેરા વિભાગની આ સહી-સિક્કાવાળી નકલ પણ સાથે રાખવી જરૂરી છે. પ્રવાસીઓએ આ હકીકતથી વાકેફ થઈ સમયસર ફોર્મ ૧૫૭ ભરીને તેની પહોંચ મેળવી લેવી જોઈએ, જેથી એરપોર્ટ પર છેલ્લી ઘડીએ કોઈ મુશ્કેલી ન સર્જાય. ઇમિગ્રેશન ચેકપોસ્ટ પર આ પહોંચ માંગવામાં આવશે અને તેના અભાવે મુસાફરી રદ કરવાની નોબત આવી શકે છે.