સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરિવારવાદનો ફિયાસ્કો: નેતાપુત્રોને મતદારોનો જાકારો
-
ધારાસભ્યોની રાજકીય વગ પણ સંબંધીઓને હારથી બચાવી ન શકી; અનેક બેઠકો પર 'યુવરાજ' સાહેબો હાર્યા.
-
પિતાની સત્તાના જોરે મેદાનમાં ઉતરેલા ઉમેદવારોને મતદારોએ અસલી ઠેકાણું બતાવ્યું.
- કાંતિ ખરાડી અને પંકજ દેસાઈ જેવા દિગ્ગજોના સ્વજનોની કરારી હાર.
સિટી ન્યુઝ @
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો રાજકારણને પોતાની જાગીર સમજતા નેતાઓ માટે એક મોટો બોધપાઠ લઈને આવ્યા છે. પોતાના ધારાસભ્ય પિતા કે વગદાર સંબંધીઓના જોરે ચૂંટણી જંગમાં ઉતરેલા અનેક 'યુવરાજ' સાહેબોને જનતાએ હારનો સ્વાદ ચખાડ્યો છે. આ પરિણામો પરથી સ્પષ્ટ જણાય છે કે જનતાને હવે પેઢી દર પેઢી ચાલતી 'રાજકીય દુકાનદારી'માં જરાય રસ રહ્યો નથી.
બનાસકાંઠા જિલ્લાની વિરમપુર તાલુકા પંચાયતની બેઠક પર પરિવારવાદનો મોટો ફિયાસ્કો જોવા મળ્યો હતો. અહીં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય કાંતિ ખરાડીના પુત્ર દિનેશ ખરાડીને મતદારોએ સ્વીકાર્યા નહોતા અને તેમની 200થી વધુ મતોથી હાર થઈ હતી. પિતાની રાજકીય વગ પુત્રને જીત અપાવવા માટે નાકામ સાબિત થઈ હતી.
નડિયાદ મહાનગરપાલિકામાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. ભાજપના ધારાસભ્ય પંકજ દેસાઈના પિતરાઈ ભાઈ હેમલ પટેલનો પરાજય થયો હતો. ઉલ્લેખનીય છે કે, હેમલ પટેલને ટિકિટ અપાવવા માટે ધારાસભ્યએ એડીચોટીનું જોર લગાવ્યું હતું, છતાં જાગૃત મતદારોએ તેમને જાકારો આપ્યો હતો. ખેરાલુની મલેકપુર તાલુકા પંચાયત બેઠક પર પણ પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરના પુત્રની કરારી હાર થઈ હતી.
મતદારોએ આ વખતે પક્ષપાત વગર એવો સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો રાજકીય પક્ષો વગના જોરે પરિવારવાદ ચલાવશે તો પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. પિતાની સત્તાના જોરે મેદાનમાં ઉતરેલા નેતાપુત્રોને મતદારોએ તેમની અસલી જગ્યા બતાવી દીધી છે. જે નેતાઓ પોતાના સંતાનોને રાજકારણમાં ગોઠવવા માંગતા હતા, તેમને જનતાએ 'લોકશાહીનો સાચો પાઠ' ભણાવ્યો છે.
આ પરિણામો સાબિત કરે છે કે લોકશાહીમાં વંશવાદ કરતા લોકસેવા વધુ મહત્વની છે. મતદારોએ સ્પષ્ટ કર્યું છે કે તેમને કોઈ નેતાના લાડકા પુત્રો કરતા નિષ્ઠાવાન લોકસેવકોની વધુ જરૂર છે. આગામી સમયમાં રાજકીય પક્ષો માટે ટિકિટ વિતરણમાં પરિવારવાદને બદલે મેરિટને પ્રાધાન્ય આપવું અનિવાર્ય બનશે, અન્યથા જનતા આ જ રીતે જાકારો આપતી રહેશે.