નવરાત્રિ 2026 મુહૂર્ત વિશેષ: ચિત્રા અને વૈધૃતિ યોગ વચ્ચે 11 ઓક્ટોબરે આ શુભ ચોઘડિયે થશે ઘટ સ્થાપન
-
ચિત્રા અને વૈધૃતિ યોગ વચ્ચે ઘટ સ્થાપન
-
આસો સુદ એકમથી નોમ સુધી ઉત્સવ જામશે
-
નિર્ણયસિંધુ ગ્રંથ મુજબ પ્રથમ પ્રહર છોડી સ્થાપન
સિટી ન્યુઝ @
અમદાવાદ / ગાંધીનગર @
મુખ્ય સમાચાર
આસો સુદ 1 રવિવાર તારીખ 11 ઓક્ટોબર 2026 થી આસો સુદ 9 સોમવાર તારીખ 19 ઓક્ટોબર 2026 સુધીના પવિત્ર દિવસો દરમિયાન ઉજવાનાર નવરાત્રિ પર્વ માટે જ્યોતિષીય અને ધાર્મિક મુહૂર્તોની વિગતો જાહેર થઈ ચૂકી છે. આ વર્ષે નવરાત્રિના પ્રારંભે એટલે કે રવિવાર આસો સુદ 1 ના રોજ ચિત્રા નક્ષત્ર અને વૈધુતિ યોગ એકસાથે આવ્યા છે, જેને લઈને ધાર્મિક ગ્રંથોમાં સ્થાપન અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તંત્ર ગ્રંથ, ચંડી રહસ્ય, રુદ્ર યામલ તંત્ર અને ભવાની તંત્ર અનુસાર આ વિશિષ્ટ સમયે સામાન્ય રીતે સ્થાપન મુહૂર્ત વર્જ્ય ગણાય છે, પરંતુ નિર્ણયસિંધુ ગ્રંથ મુજબ પ્રથમ પ્રહર છોડીને ઘટ સ્થાપન કરવું શાસ્્રોક્ત રીતે યોગ્ય માનવામાં આવ્યું છે.
આપેલા શાસ્ત્રીય નિયમો અનુસાર ઘટ સ્થાપન માટેનું મુખ્ય શુભ મુહૂર્ત રવિવાર તારીખ 11 ઓક્ટોબર 2026 ના રોજ સવારે 9:40 થી 12:25 સુધીનું નિશ્ચિત કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન ભક્તો વિધિપૂર્વક પૂજા-અર્ચના કરી શકે છે. આ ઉપરાંત ચંડી તંત્ર, ચંડી રહસ્ય અને ભવાની તંત્રની વિશેષ ભલામણો મુજબ સંધ્યા સમયે પણ ઘટ સ્થાપન માટે સાંજે 6:20 થી 7:40 સુધીનું મુહૂર્ત ઉપલબ્ધ રહેશે, જ્યારે મત્સ્ય પુરાણની સ્પષ્ટ માર્ગદર્શિકા મુજબ રાત્રિના સમયે ક્યારેય પણ ઘટ સ્થાપન ન કરવું જોઈએ.
પર્વના અંતિમ ચરણમાં તિથિઓની સ્થિતિ જોતા તા. 18 ઓક્ટોબર રવિવારે સવારે 8:30 કલાકથી હોમાષ્ટમી શરૂ થશે, જ્યારે તા. 19 ઓક્ટોબર સોમવારે સવારે 10:53 કલાકથી મહાષ્ટમી અને મહાનવમીનો સંયુક્ત ઉપવાસ તથા પૂજન વિધિ કરવામાં આવશે. ત્યારબાદ દેવી તંત્ર અને કાલી વિલાસ તંત્ર ગ્રંથોના આધારે શ્રવણ નક્ષત્રમાં તા. 19 ઓક્ટોબર 2026 ના રોજ બપોરે 3:40 થી 5:30 દરમિયાન ઘટ ઉત્પથાન કરવાનું રહેશે. જોકે, આ બાબતે સ્થાનિક પરંપરા અને કુળરીવાજોનું પાલન કરવું પણ એટલું જ હિતાવહ છે.
વિજયા દશમી એટલે કે દશેરાનું પર્વ આસો સુદ 10 મંગળવાર તારીખ 20 ઓક્ટોબર 2026 ના રોજ ધામધૂમથી ઉજવાશે. આ દિવસે શસ્ત્ર પૂજન, વાહન ખરીદી કે નવા વ્યવસાયિક કાર્યોના શુભારંભ માટે બપોરે 12:55 થી 1:10 સુધી તથા બપોરે 3:20 થી સાંજે 6:05 સુધીના શ્રેષ્ઠ ચોઘડિયા અને મુહૂર્તો ઉપલબ્ધ રહેશે, જેનો લાભ નાગરિકો લઈ શકશે. નવરાત્રિના આ પવિત્ર તહેવાર પૂર્વે અમદાવાદમાં ટ્રાફિક અને સુરક્ષાને લઈને પોલીસ વિભાગ દ્વારા પણ કડક જાહેરનામા અને નિયમો બહાર પાડવામાં આવ્યા છે.
માતાજીની આરાધનાના આ પર્વમાં અનુસરાતા ધાર્મિક નિયમો અને સામાજિક શિસ્તનું પાલન કરવાથી ઉત્સવનો આનંદ દ્વિગુણિત થઈ જાય છે. દરેક શ્રદ્ધાળુઓ માટે આ નવરાત્રિ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવે છે.