ભારતમાં ધર્મ અને ટેકનોલોજીનો અનોખો પ્રવેશ
-
જ્યોતિષી અને ધાર્મિક એપ્લિકેશનના ડાઉનલોડ વધ્યા
-
સોશિયલ મીડિયા પર ગીતા અને ભજન પ્રખ્યાત
-
ડિજિટલ ડિવોશનમાં સનાતન ધર્મ સૌથી આગળ
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ભારતમાં ઈશ્વર, જ્યોતિષ અને પરંપરાઓમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા લોકો દરેક શુભ કાર્યમાં મુહૂર્ત જુએ છે, લગ્નમાં કુંડળી મેળવે છે અને સંતાનના નામ પણ રાશિની ચાલ જોઈને નિશ્ચિત કરે છે. સમયની સાથે હવે જીવનશૈલી બદલાતી જાય છે તેમ ધર્મમાં પણ ટેકનોલોજીનો વ્યાપક પ્રવેશ થઈ ચૂક્યો છે. ખાસ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી ગીતાનું જ્ઞાન પીરસવામાં આવે છે અને ભજનો પણ યુટ્યુબ પર અત્યંત લોકપ્રિય બન્યા છે. રોજબરોજ જ્યોતિષીય ટિપ્સ હવે લગભગ તમામ ન્યૂઝ અને સોશિયલ એપ્લિકેશન પર ઉપલબ્ધ છે, જે તમામ ધર્મો માટે સમાન રીતે જોવા મળે છે.
તાજેતરના એક સર્વે અનુસાર દેશમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર મહિના વચ્ચે અંદાજે 15 કરોડ જ્યોતિષી એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી છે, જે ગત વર્ષની સરખામણીમાં 75 ટકા વધુ છે. આ ઉપરાંત ધાર્મિક અને આધ્યાત્મિક એપ્લિકેશનોના 14.6 કરોડ ડાઉનલોડ થયા છે, જે ગત વર્ષ કરતા 47 ટકાનો વધારો દર્શાવે છે. આમ ડિજિટલ ડિવોશનના આ યુગમાં માત્ર હિન્દુ જ નહીં પરંતુ ક્રિશ્ચિયન અને મુસ્લિમ ધર્મની એપ્લિકેશનોનો વપરાશ પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે, જેમાં બાઈબલ વાંચી સંભળાવતી અને ઇસ્લામ ધર્મની સમજ આપતી એપ્સ સામેલ છે.
દેશના દરેક મોટા ધર્મસ્થાન અને મંદિરો હવે ઓનલાઈન દર્શન, પૂજા અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ ઓફર કરી રહ્યા છે, એટલું જ નહીં પરંતુ ઘરે બેઠા ઓનલાઈન પ્રસાદ પણ ખરીદી શકાય તેવી સુવિધાઓ ઊભી થઈ છે. સનાતન ભજનના એક્ટિવ યુઝર્સની સંખ્યામાં 109 ટકાનો મોટો વધારો નોંધાયો છે, જે દર્શાવે છે કે લોકો હવે ધર્મ સાથે ઓનલાઈન માધ્યમો દ્વારા જોડાવવાનું વધુ પસંદ કરવા લાગ્યા છે. અગાઉ લોકો આ પ્રકારની ઓનલાઈન એપ્સ પર સરેરાશ 5.8 મિનિટ વિતાવતા હતા, જે વધીને હવે 8.2 મિનિટ થઈ ગઈ છે.
જ્યોતિષી એપ્સ પર પણ સરેરાશ સમય 3.5 મિનિટથી વધીને 5.3 મિનિટ થયો છે, જે 50 ટકાનો વધારો દર્શાવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પાવર્ડ એસ્ટ્રોલોજી એપ્સની લોકપ્રિયતા પણ આકાશને આંબી રહી છે, જેમાં એસ્ટ્રોટેક એપ્લિકેશનના 3 કરોડ યુઝર્સ છે જ્યારે એસ્ટ્રો કુંડલીના 2.5 કરોડ યુઝર્સ છે, જે ગત વર્ષની સરખામણીમાં 172 ટકાનો જંગી વધારો દર્શાવે છે. આ ઉપરાંત ટેરો-જ્યોતિષી એપ્સના પણ લાખો ગ્રાહકો નોંધાયા છે.
મોબાઈલ ફોન અને ટેકનોલોજી હવે માત્ર મનોરંજનનું સાધન નથી રહ્યા, પરંતુ તે દેશના નાગરિકોને ધર્મ, આધ્યાત્મિકતા અને જ્યોતિષ સાથે જોડવામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.
ટેકનોલોજી અને ધાર્મિક ક્રાંતિ
આધુનિક યુગમાં ટેકનોલોજીના માધ્યમથી ધર્મ અને આધ્યાત્મિકતાનો પ્રચાર ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે.