સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રમતવીરોનો દબદબો: ઓલ ઇન્ડિયા ટગ ઓફ વોર ટુર્નામેન્ટ માટે જામનગરના 3 ખેલાડીઓ કેરળ જશે!
- નેશનલ લેવલ પર સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે હિરલ પરમાર, મજબુતસિંહ જાડેજા અને ક્રિષ્નસિંહ વાઘેલા
- યુનિવર્સિટી ઓફ કલીકટ (કેરળ) ખાતે યોજાશે ટુર્નામેન્ટ - પ્રિન્સિપાલ અને સ્ટાફ પરિવારે પાઠવી શુભેચ્છાઓ
- 7 થી 10 એપ્રિલ દરમિયાન યોજાશે મેગા સ્પર્ધા - રાષ્ટ્રીય સ્તરે જામનગરનું નામ રોશન કરવા ખેલાડીઓ સજ્જ
જામનગરના રમતજગત માટે ગૌરવ લેવા જેવા સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટી 'ટગ ઓફ વોર' (રસાખેંચ) ટુર્નામેન્ટની ટીમમાં જામનગરની કોલેજના ત્રણ તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. આ ખેલાડીઓ હવે કેરળના મલાપુરમ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સૌરાષ્ટ્રની શક્તિનું પ્રદર્શન કરશે.
પસંદગી પામેલા ખેલાડીઓમાં પરમાર હિરલ કાંતિલાલ, જાડેજા મજબુતસિંહ ક્રિષ્નસિંહ અને વાઘેલા ક્રિષ્નસિંહ જયેન્દ્રસિંહનો સમાવેશ થાય છે. આ ત્રણેય ખેલાડીઓએ રસાખેંચની રમતની વિવિધ ટ્રાયલ્સમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને યુનિવર્સિટીની ટીમમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું છે. તેઓ ૦૭ એપ્રિલ થી ૧૦ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન યુનિવર્સિટી ઓફ કલીકટ (કેરળ) ખાતે આયોજિત ઓલ ઇન્ડિયા ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે રવાના થશે.
આ સફળતા બદલ કોલેજના પ્રિન્સિપાલ ડો. તૌસિફખાન પઠાણ, વાઇસ પ્રિન્સિપાલ ડો. રવી ઓઝા તેમજ મેનેજમેન્ટના સભ્યોએ હર્ષની લાગણી વ્યક્ત કરી છે. સમગ્ર સ્ટાફ પરિવારે વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજેતા બનવા માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. જામનગરના આ ખેલાડીઓની પસંદગીથી સ્થાનિક રમતપ્રેમીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.