નાસીરનગર ડિમોલીશન: હાઈકોર્ટના લાલ આંખ, અધિકારીઓને કર્યા આકરા સવાલ
- લોકોના ઘર તોડવા એ ફોજદારી ગુનો નથી? તપાસની ધીમી ગતિ પર કોર્ટ નારાજ
- લોકલ અધિકારીઓનું આ કામ નથી, કોઈનું પીઠબળ હોવાની કોર્ટને આશંકા
- ડિમોલીશન કેસની ગંભીરતા ક્યાં છે? તપાસ સમિતિની રચના સામે પણ ઉઠાવ્યા પ્રશ્નો
સિટી ન્યૂઝ @ સુરત
સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદિત ડિમોલીશન મામલે ગુજરાત હાઈકોર્ટે અત્યંત આકરા તેવર બતાવ્યા છે. કોર્ટે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસને આડે હાથ લેતા અનેક તીખા સવાલો કર્યા છે. સુનાવણી દરમિયાન કોર્ટે ટકોર કરી હતી કે, લોકોના ઘર તોડી નાખવા એ ફોજદારી ગુનો છે, તો પછી ઘટનાને એક મહિનાથી વધુ સમય વીતવા છતાં હજી સુધી પોલીસ ફરિયાદ કેમ નોંધવામાં આવી નથી? કોર્ટે આ તપાસની ગંભીરતા પર સવાલ ઉઠાવતા સ્પષ્ટ કહ્યું છે કે, આ તપાસ માત્ર સ્થાનિક અધિકારીઓનું કામ નથી, આમાં કોઈનું મોટું પીઠબળ કે ટેકો હોવો જોઈએ.
26 અરજદારો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા કોર્ટે ડિમોલીશનની તપાસ માટે રચાયેલી કમિટીની કાર્યપદ્ધતિ પર પણ સવાલો કર્યા છે. કોર્ટે પૂછ્યું કે, આ મામલે રાજ્ય સરકાર કેમ એક્ટિવ નથી? સરકારી વકીલે કોર્ટને જાણ કરી હતી કે તપાસ પ્રક્રિયા ચાલી રહી છે અને 10 થી વધુ પોલીસ કર્મચારીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. જોકે, તપાસની ધીમી ગતિ અને અરજીના નિકાલમાં થયેલા વિલંબને કારણે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.
આ કેસમાં સુરત પાલિકા, પોલીસ કમિશનર, DCP રાજદીપસિંહ નકુમ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને બિલ્ડરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. ડિમોલીશન સમયે પોલીસની શંકાસ્પદ હાજરી અને ત્યારબાદ તપાસમાં થયેલા વિલંબે સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવ્યો છે. કોર્ટે હવે આ કેસમાં જવાબદાર તત્વોની જવાબદારી નક્કી કરવા અને ઝડપી કાર્યવાહી માટે કડક વલણ અપનાવ્યું છે, જે સુરત વહીવટીતંત્ર માટે મોટી મુસીબત બની શકે છે.
તપાસની ગતિ અને કાનૂની ગંભીરતા
હાઈકોર્ટની ટકોર બાદ હવે તપાસની ગતિ વધે તેવી શક્યતા છે. કાયદાકીય દ્રષ્ટિએ ડિમોલીશન જેવી ઘટનામાં જો પ્રક્રિયાનું ઉલ્લંઘન થયું હોય તો જવાબદારો સામે કડક ફોજદારી કાર્યવાહી થવી અનિવાર્ય છે. અરજદારોની મુખ્ય માંગ પણ પોલીસ ફરિયાદ દાખલ કરવાની છે, જેથી ન્યાય મળી શકે. પોલીસના નિવેદનો અને તપાસ સમિતિના રિપોર્ટ હવે આ કેસના આગળના ભવિષ્યનો નિર્ણય કરશે.