નર્મદા મૈયાની ઉત્તરવાહિની પરિક્રમાનો પ્રારંભ: 22,700 ડગલાંની આસ્થા અને 21 કિમીની અદભૂત સફર
- ચૈત્ર માસમાં પરિક્રમાનું અનેરું માહાત્મ્ય - શ્રદ્ધાળુઓ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાયું ફરજિયાત
- બોટિંગમાં લાઈફ જેકેટ અનિવાર્ય અને સુરક્ષા માટે નેટનું કવચ - મગરોથી સાવધ રહેવા તંત્રની અપીલ
- સખી મંડળની બહેનોને મળી રોજગારી - રાત્રિના સમયે લાઇટિંગ અને ડોમની ઉત્તમ સુવિધા
પતિત પાવની માઁ નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમાનું ચૈત્ર માસમાં અનેરું મહત્વ છે. નર્મદા નદી આમ તો પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે, પરંતુ નર્મદા જિલ્લાના રામપુરા અને તિલકવાડા વચ્ચે નદી દક્ષિણથી ઉત્તર તરફ વહે છે. આ પવિત્ર 21 કિલોમીટરના પટમાં પરિક્રમા કરવાનું વિશેષ પુણ્ય હોવાથી આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ગત 19 માર્ચથી શરૂ થયેલી આ પરિક્રમા 17 એપ્રિલ સુધી ચાલશે.
ડિજિટલ વ્યવસ્થા અને સુરક્ષા આ વર્ષે તંત્ર દ્વારા ભીડને વ્યવસ્થિત કરવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. રાજપીપળાથી રામપુરા જવાના માર્ગ પર પોલીસ દ્વારા રજિસ્ટ્રેશન ચેક કર્યા બાદ જ આગળ જવા દેવામાં આવે છે. નદીના પટમાં મગરોનો ભય હોવાથી શ્રદ્ધાળુઓને સાવચેતીપૂર્વક ચાલવા અપીલ કરાઈ છે. ખાસ કરીને જ્યાંથી નદી પાર કરવાની છે, ત્યાં પગદંડી પર સુરક્ષા માટે નેટ લગાવવામાં આવી છે અને બોટિંગમાં ₹50 ની ટિકિટ સાથે લાઈફ જેકેટ પહેરવું અનિવાર્ય કરાયું છે.
સેવા અને રોજગારીનો સંગમ પરિક્રમાના માર્ગ પર માત્ર ભક્તિ જ નહીં પણ સેવાની પણ સુવાસ જોવા મળે છે. સ્થાનિક સખી મંડળોને વ્યાજબી ભાવે ચા-નાસ્તો વેચવા માટે નિઃશુલ્ક સ્ટોલ ફાળવવામાં આવ્યા છે, જેનાથી અનેક બહેનોને રોજગારી મળી રહી છે. આ સિવાય આસપાસના ગામના લોકો દ્વારા કોઈ પણ અપેક્ષા વગર પરિક્રમાવાસીઓ માટે ભોજન અને આરામની વ્યવસ્થા કરવામાં આવી છે. માર્ગમાં ઠેર-ઠેર સાઉન્ડ સિસ્ટમ પર વાગતા નર્મદાષ્ટકમ અને ધાર્મિક ગીતો પર શ્રદ્ધાળુઓ ગરબે ઘૂમતા પણ નજરે પડે છે.
સ્વચ્છતા અને આરામ માટે ડોમ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમાના માર્ગ પર સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રખાયું છે. દર 50 મીટરે કચરાપેટીઓ મુકાઈ છે. થાકેલા શ્રદ્ધાળુઓ માટે ઠેર-ઠેર ડોમ બનાવવામાં આવ્યા છે, જ્યાં ખાટલા અને ગાદલાની સગવડ છે. એક સ્વસ્થ વ્યક્તિ આ પરિક્રમા આશરે 5 કલાકમાં પૂર્ણ કરી શકે છે. મણિનાગેશ્વર મંદિર અને આસપાસના ખેતરોની હરિયાળી વચ્ચેથી પસાર થતી આ યાત્રા ભક્તો માટે જીવનભરનું સંભારણું બની રહે છે.