Loading Please Wait !!!
નારી શક્તિના નારા પોકળ: દેશની 98,592 સરકારી સ્કૂલોમાં દીકરીઓ માટે શૌચાલય જ નથી

  • નીતિ આયોગના રિપોર્ટમાં શિક્ષણ જગતની વરવી વાસ્તવિકતાનો સનસનીખેજ ખુલાસો
  • બિહાર, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં શિક્ષકોની અછત; લાખો વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમાં
    • GDPના 4.6% ખર્ચવા છતાં પ્રાથમિક સુવિધાઓ માટે ટળવળતું દેશનું શિક્ષણ તંત્ર

સિટી ન્યુઝ @ નવી દિલ્હી :  દેશમાં એક તરફ સરકાર ‘નારી શક્તિ વંદના’ અને મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ જમીની હકીકત અત્યંત ડરામણી અને શરમજનક સામે આવી છે. સરકારના જ નીતિ આયોગના તાજેતરના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે દેશની 98,592 સરકારી શાળાઓમાં છોકરીઓ માટે શૌચાલયની પ્રાથમિક સુવિધા જ ઉપલબ્ધ નથી. આટલું જ નહીં, 61,540 શાળાઓમાં જે શૌચાલયો છે તે વાપરવા લાયક સ્થિતિમાં નથી. આ આંકડાઓ સાબિત કરે છે કે બેટી બચાવો-બેટી પઢાવોના નારાઓ વચ્ચે દીકરીઓની પાયાની જરૂરિયાતો પ્રત્યે તંત્ર સાવ ઉદાસીન છે.

શિક્ષણ જગતની આ વરવી વાસ્તવિકતા માત્ર શૌચાલય પૂરતી મર્યાદિત નથી. રિપોર્ટ અનુસાર, દેશમાં 1,04,125 સરકારી શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે. આમાંની 89% શાળાઓ ગ્રામીણ વિસ્તારોમાં આવેલી છે, જ્યાં આવતીકાલના નાગરિકોનું ભવિષ્ય ઘડાઈ રહ્યું છે. બિહારમાં સૌથી વધુ 2,08,784 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, જ્યારે ઝારખંડમાં 80,341 અને મધ્યપ્રદેશમાં 47,122 શિક્ષકોની અછત છે. પૂરતા સ્ટાફના અભાવે સરકારી શિક્ષણનું ગાડું માંડ-માંડ ગબડી રહ્યું છે અને વિદ્યાર્થીઓ પાયાના જ્ઞાનથી વંચિત રહી રહ્યા છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો, દેશની 1.19 લાખ શાળાઓમાં આજે પણ વીજળી પહોંચી નથી. અંદાજે 14,505 શાળાઓમાં પીવાના પાણીની સુવિધા નથી અને 59,829 શાળાઓમાં હાથ ધોવા માટે સાબુ કે પાણી જેવી સામાન્ય વ્યવસ્થા પણ નથી. માધ્યમિક સ્તરે માત્ર 51.7% શાળાઓમાં જ વિજ્ઞાનની પ્રયોગશાળાઓ ઉપલબ્ધ છે. આ સુવિધાઓના અભાવને કારણે સરકારી શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો સતત વધી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં આ રેશિયો 20% સુધી પહોંચી ગયો છે, જ્યારે અરુણાચલ અને કર્ણાટકમાં પણ સ્થિતિ ચિંતાજનક છે.

રિપોર્ટમાં એક ચોંકાવનારો આંકડો એ પણ છે કે દેશની 7,993 શાળાઓમાં આ વર્ષે એક પણ નવો પ્રવેશ થયો નથી, એટલે કે ત્યાં એડમિશનની સંખ્યા ‘શૂન્ય’ છે. પશ્ચિમ બંગાળમાં આવી 3,812 અને તેલંગણામાં 2,245 શાળાઓ છે. વર્ષ 2005માં જ્યાં 71% વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા હતા, તે આંકડો 2024-25માં ઘટીને માત્ર 49.24% પર આવી ગયો છે. લોકોનો સરકારી શિક્ષણ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે અને વાલીઓ મજબૂરીમાં ખાનગી શાળાઓ તરફ વળી રહ્યા છે, જે શિક્ષણના ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહ્યું છે.

શિક્ષકોની ગુણવત્તા અને તેમના કામના બોજ અંગે પણ સવાલો ઉઠ્યા છે. સર્વે મુજબ, સરેરાશ 14% શિક્ષણ કાર્ય માત્ર ચૂંટણી, વહીવટી કામ અને સર્વેક્ષણ જેવા બિનશૈક્ષણિક કાર્યોમાં વેડફાઈ જાય છે. ગણિત જેવા વિષયોમાં માત્ર 2% શિક્ષકો જ 70%થી વધુ ગુણ મેળવી શક્યા છે, જે ચિંતાનો વિષય છે. ભારત જીડીપીના 4.6% જેટલો જંગી હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચે છે, છતાં લાખો શાળાઓમાં વીજળી, પાણી અને શિક્ષકો જેવી પાયાની જરૂરિયાતો પૂરી ન થવી તે તંત્રની ઘોર નિષ્ફળતા દર્શાવે છે.