પંજાબમાં મંત્રીના ઘરે ED ત્રાટકી: મોબાઈલ GST કૌભાંડમાં સંજીવ અરોરા પર સકંજો
- 20 ગાડીઓ અને 3 ડઝન જવાનો સાથે ચંદીગઢમાં વહેલી સવારે દરોડા
- મની લોન્ડરિંગ કેસમાં AAP મંત્રીના 5 સ્થળોએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની સર્ચ
- ‘હેમ્પટન સ્કાય રિયલ્ટી’ કંપની પર ગાળિયો; દુબઈ કનેક્શનની તપાસ તેજ
સિટી ન્યુઝ @ ચંદીગઢ : પંજાબના રાજકારણમાં આજે વહેલી સવારથી જ ભારે ગરમાવો જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટીના કેબિનેટ મંત્રી સંજીવ અરોરાના નિવાસસ્થાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા છે. ચંદીગઢ સ્થિત સેક્ટર-2માં આવેલા મંત્રીના સત્તાવાર નિવાસસ્થાને આજે સવારે આશરે 7:25 વાગ્યે EDની ટીમ ત્રાટકી હતી. આ કાર્યવાહીને પગલે સમગ્ર પંજાબ સરકારમાં દોડધામ મચી ગઈ છે અને વિપક્ષી પાર્ટીઓ તેમજ સત્તાધારી પક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, EDના અધિકારીઓ આશરે 20 જેટલી ગાડીઓના કાફલા સાથે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષાના કડક બંદોબસ્ત હેઠળ ત્રણ ડઝન જેટલા CIA અને SF ના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ સર્ચ ઓપરેશન માત્ર મંત્રીના નિવાસસ્થાન પૂરતું મર્યાદિત નથી, પરંતુ ચંદીગઢ અને દિલ્હી-NCR વિસ્તારમાં કુલ 5 સ્થળોએ એકસાથે ચાલી રહ્યું છે. જેમાં સંજીવ અરોરાની માલિકીની કંપની ‘હેમ્પટન સ્કાય રિયલ્ટી લિમિટેડ’ના કાર્યાલયોનો પણ સમાવેશ થાય છે.
ED દ્વારા આ કાર્યવાહી મની લોન્ડરિંગ એક્ટ (PMLA, 2002) હેઠળ હાથ ધરવામાં આવી છે. તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ, સંજીવ અરોરા પર આરોપ છે કે તેમણે પોતાની કંપની દ્વારા 100 કરોડ રૂપિયાથી વધુના મોબાઈલ ફોનની નકલી GST ખરીદી બતાવી હતી. આ ઉપરાંત, દુબઈથી ભારત ગેરકાયદેસર નાણાં લાવવા માટે એટલે કે ‘રાઉન્ડ ટ્રીપિંગ’ કરવા માટે નકલી નિકાસનો સહારો લીધો હોવાની શંકા સેવવામાં આવી રહી છે. એજન્સી હાલમાં આ નાણાકીય વ્યવહારોના પુરાવા એકત્ર કરી રહી છે.
આ દરોડા બાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. માને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિક્રિયા આપતા લખ્યું કે, એક વર્ષમાં આ ત્રીજી વાર અને એક મહિનામાં બીજી વાર ED સંજીવ અરોરાના ઘરે આવી છે, પરંતુ અગાઉ કશું મળ્યું નથી અને હવે પણ કશું મળશે નહીં. તેમણે વધુમાં ઉમેર્યું કે પંજાબ ગુરુઓની અને શહીદ ભગતસિંહની ધરતી છે, જે વડાપ્રધાન મોદીની આવી ડરાવવાની ચાલ સામે ક્યારેય ઝુકશે નહીં.
આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ પણ મંત્રીના સમર્થનમાં આવ્યા છે. સાંસદ સંજય સિંહે EDને ભાજપનું ‘સુપારી કિલર’ ગણાવીને પંજાબ સરકારને જાણીજોઈને બદનામ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. AAP નેતાઓએ આક્ષેપ કર્યો છે કે જ્યારે પણ કોઈ રાજ્યમાં ચૂંટણી નજીક હોય અથવા વિપક્ષ મજબૂત બને, ત્યારે કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરે છે. હાલમાં તપાસ ચાલુ છે અને આગામી કલાકોમાં આ દરોડામાં શું બહાર આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.