Loading Please Wait !!!
ખીરું કાંડમાં FSL રિપોર્ટથી પોલીસ સ્તબ્ધ: કોઈ શંકાસ્પદ પદાર્થ ન મળતા બે બાળકીઓના મોતનું રહસ્ય વધુ ઘેરાયું

  • 15 દિવસથી 'હાઈટેક' અમદાવાદ પોલીસ ફીફા ખાંડી રહી છે, મોતનું સાચું કારણ શોધવામાં તંત્ર નિષ્ફળ
  • ત્રણ મહિનાની રાહા અને ચાર વર્ષની મીશ્રીના મોતનું સત્ય ક્યારે બહાર આવશે? લોકોમાં આક્રોશ
  • પોલીસ હવે મોતનું કારણ જાણવા માટે અન્ય તબીબી પાસાઓની તપાસ કરશે.

અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં ખીરું ખાધા બાદ બે માસૂમ બાળકીઓના થયેલા શંકાસ્પદ મોતના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ કેસમાં જે FSL (Forensic Science Laboratory) રિપોર્ટની રાહ જોવામાં આવી રહી હતી, તે રિપોર્ટ આવી ગયો છે પરંતુ તેનાથી તપાસ વધુ મુશ્કેલ બની ગઈ છે. FSL રિપોર્ટમાં કોઈ પણ પ્રકારનો શંકાસ્પદ પદાર્થ કે ઝેરી તત્વો મળી આવ્યા નથી, જેના કારણે 'હાઈટેક' ગણાતી અમદાવાદ પોલીસની 15 દિવસની તપાસ સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.

શું છે સમગ્ર મામલો? ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિના પરિવારે સ્થાનિક 'ઘનશ્યામ ડેરી' માંથી ખીરું ખરીદ્યું હતું. આ ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી, જેમાં 3 મહિનાની બાળકી રાહા અને 4 વર્ષની મીશ્રીનું મોત નિપજ્યું હતું. 3 એપ્રિલે બનેલી આ ઘટના બાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને ડેરીના ખીરાના સેમ્પલ લીધા હતા.

પોલીસની ઢીલી કામગીરી અને રહસ્ય ઘટનાના 15 દિવસ બાદ પણ પોલીસ હજુ સુધી મોતનું સચોટ કારણ શોધી શકી નથી. અગાઉ પોલીસ 'FSL રિપોર્ટ આવશે ત્યારે સત્ય બહાર આવશે' તેમ કહીને હાથ પર હાથ ધરીને બેઠી હતી, પરંતુ હવે રિપોર્ટ પણ નેગેટિવ આવતા પોલીસની મુશ્કેલી વધી છે. 7 એપ્રિલના રોજ 3 મહિનાની દીકરી રાહાનો મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, તેમ છતાં હજુ સુધી કોઈ નક્કર પુરાવો મળ્યો નથી.

સ્થાનિકોમાં ભારે ચર્ચા છે કે જો ખીરામાં કોઈ ખામી નહોતી, તો બે માસૂમ જીવ કેવી રીતે ગયા? શું પોલીસ આ રહસ્યમય કેસમાં હાથ હેઠા મૂકી દેશે? હાલમાં અમદાવાદ પોલીસ આ મામલે મૌન સેવી રહી છે અને આગળની તપાસ કઈ દિશામાં જશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.