Loading Please Wait !!!
મુંબઈ-દિલ્હી હાઈ-વે પર અકસ્માત: ત્રણના મોત

સિટી ન્યૂઝ@પંચમહાલ : કાલોલ નજીક ભાટપુરા પાસે મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. અજાણ્યા વાહને કારને ટક્કર મારતા મહીસાગર જિલ્લાના પંડ્યા પરિવારના પતિ, પત્ની અને 17 વર્ષીય પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે 8 વર્ષીય પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલો પંડ્યા પરિવાર પોતાના વતન મહીસાગર જિલ્લાના મુડાવડેખ ગામે જઈ રહ્યો હતો. કુટુંબી ભાઈનું મોત થતાં તેની તેરમાની વિધિ માટે પરિવાર કાર લઈને વતન જવા નીકળ્યો હતો. આ દરમિયાન કાલોલના ભાટપુરા પાસે તેમની કારને અકસ્માત નડ્યો હતો. અજાણ્યા વાહનની જોરદાર ટક્કરથી કારના આગળના ભાગનો ભૂક્કો બોલી ગયો હતો.

અકસ્માત સર્જાતા 108 એમ્બ્યુલન્સ મારફતે 4 ઈજાગ્રસ્તોને ગોધરાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. પી. જી. રાઠોડે જણાવ્યું કે હોસ્પિટલ પહોંચતા પહેલા જ 3 દર્દીઓના મોત થયા હતા. જ્યારે જૈનીસા પંડ્યા નામની 8 વર્ષીય બાળકી હાલ સારવાર હેઠળ છે.

આ ગોઝારી દુર્ઘટનામાં હેમંતભાઈ પંડ્યા (ઉં.વ. 44), કિંજલબેન પંડ્યા (ઉં.વ. 42) અને આયુષ પંડ્યા (ઉં.વ. 17) નું કરુણ મોત થયું છે. બનાવની જાણ થતાં કાલોલ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અકસ્માત કયા કારણોસર અને કેવી રીતે સર્જાયો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.