મીઠાના સેન્ટર ખારાઘોડા રેલવે સ્ટેશનની રૂ. 13.84 કરોડના ખર્ચે કાયાપલટ
- પ્લેટફોર્મ પર સીસીરોડ અને વેપારીઓ-મજૂરો માટે મળશે અધ્યતન સુવિધાઓ
- રેલવે નૂરની રૂ. 110 કરોડની આવક રળી આપતું સ્ટેશન બનશે હાઈટેક
- લોડિંગ સાઈડ પર લાઈટિંગ, વેપારીઓ માટે ઓફિસ અને મજૂરો માટે શેડ બનશે
સિટી ન્યુઝ @ સુરેન્દ્રનગર
દેશના કુલ મીઠા ઉત્પાદનનો મોટો હિસ્સો સુરેન્દ્રનગરના કચ્છના નાના રણમાંથી આવે છે, ત્યારે આ ઉદ્યોગ માટે મહત્વના ગણાતા ખારાઘોડા રેલવે સ્ટેશનની રૂ. 13.84 કરોડના ખર્ચે કાયાપલટ થવા જઈ રહી છે. દર વર્ષે રેલવેને રૂ. 110 કરોડની માતબર આવક રળી આપતા આ સ્ટેશન પર હવે અધ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટેશનના પ્લેટફોર્મ પર સીસીરોડ, લોડિંગ સાઈડ પર 35 લાઈટના થાંભલા, વેપારીઓ માટે અધ્યતન રૂમ અને મજૂરો માટે પીવાના પાણી તથા શૌચાલયની સુવિધાવાળો શેડ બનાવવામાં આવશે.
ખારાઘોડાથી મીઠું ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને નેપાળ સુધી નિકાસ થાય છે. ચોમાસા દરમિયાન લોડિંગમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે પ્લેટફોર્મ નં-1 અને 3 પર એક કિમી લાંબો અને 15 મીટર પહોળો સીસીરોડ બનાવવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. હાલમાં આ પ્રોજેક્ટનું 48% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. રેલવે વિભાગ દ્વારા આ યોજનાના અમલીકરણ માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, જેનો શ્રેય સ્થાનિક એસોસિએશનની રજૂઆત અને વરિષ્ઠ રેલવે અધિકારીઓના સહિયારા પ્રયાસોને જાય છે.
સ્થાનિક મીઠા વેપારીઓ અને મજૂરો માટે આ પ્રોજેક્ટ વર્ષો પછી એક મોટી આશા લઈને આવ્યો છે. જૂની ઓફિસ તોડીને ત્યાં બેથી ત્રણ માળની નવી ઓફિસ બનાવવામાં આવશે, જેમાં વેપારીઓ માટે અલાયદો રૂમ હશે. આ સાથે જ બીજો રેલવે વે બ્રિજ બનાવવાનું કામ પણ પૂર્ણતાના આરે છે. નવેમ્બર-ડિસેમ્બર 2025માં શરૂ થયેલા આ વિકાસકાર્યોને આગામી ડિસેમ્બર 2026 સુધીમાં સંપૂર્ણપણે પૂર્ણ કરી દેવાની રેલવે વિભાગની તૈયારીઓ છે, જેનાથી ગુજરાતના આ ગૌરવવંતા મીઠા ઉદ્યોગને નવી ગતિ મળશે.
મીઠા ઉદ્યોગ માટે વિકાસના નવા દ્વાર
ખારાઘોડા રેલવે સ્ટેશનનો આ પ્રોજેક્ટ માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સુધારો નથી, પરંતુ આ ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો પરિવારો માટે સુવિધાઓનું નવું દ્વાર છે. લોડિંગમાં પડતી મુશ્કેલીઓ દૂર થવાથી નિકાસની પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને વેપારમાં વૃદ્ધિ થશે. મજૂર વર્ગ માટેની સુવિધાઓ આ ઉદ્યોગમાં માનવીય અભિગમ પણ દર્શાવે છે. ચોક્કસપણે, આ સુવિધાઓ મીઠા ઉદ્યોગને વૈશ્વિક સ્તરે વધુ સક્ષમ બનાવશે.