ભાવનગરની સર ટી. હોસ્પિટલના સત્તાધીશોની ઘોર બેદરકારી: લાખોનું નવું ફર્નિચર વરસાદમાં પલળી ગયું!
- 147 વર્ષ જૂની સંસ્થામાં અંધેર વહીવટ - ખુલ્લામાં પડેલા કબાટ-ટેબલોને કાટ લાગવાની ભીતિ, જવાબદારો મૌન
- એક્ઝોસ્ટ ફેન બંધ હોવાથી જનરલ વોર્ડમાં સફોકેશનની સમસ્યા - સુપર સ્પેશિયાલિટી વિભાગ સામે ભરાયા પાણી
- પાર્કિંગ મુદ્દે રોજ સિક્યુરિટી અને દર્દીઓ વચ્ચે ઘર્ષણ - કરોડોના ખર્ચે બનેલા RCC રોડમાં પહેલા જ વરસાદે પોલ ખોલી
ભાવનગર જિલ્લા સહિત આસપાસના અનેક વિસ્તારો માટે આશીર્વાદ સમાન ગણાતી ૧૪૭ વર્ષ જૂની સર ટી. હોસ્પિટલ અત્યારે સત્તાધીશોના અંધેર વહીવટનો નમૂનો બની ગઈ છે. હોસ્પિટલમાં આવતા હજારો દર્દીઓની સારવારમાં સુધારો કરવાને બદલે તંત્રની ઉદાસીનતા ઉડીને આંખે વળગે તેવી છે. તાજેતરમાં સામે આવેલા દ્રશ્યો મુજબ, હોસ્પિટલના જૂના બિલ્ડિંગની પાછળ લાખો રૂપિયાનું નવું ફર્નિચર જેમાં કબાટ, ટેબલ અને સ્ટેન્ડનો સમાવેશ થાય છે, તે છેલ્લા એક અઠવાડિયાથી ખુલ્લામાં પડ્યું હતું. બે દિવસ પહેલા પડેલા વરસાદમાં આ કિંમતી સામાન પલળી જતા તેને કાટ લાગવાની અને કાયમી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
વહીવટી તંત્રની બેદરકારી અહીં જ અટકતી નથી. એક તરફ સરકાર ઉર્જા બચતની વાતો કરે છે, ત્યારે સર ટી. હોસ્પિટલના મલ્ટી સ્પેશિયાલિટી વિભાગ અને વિવિધ વોર્ડમાં ધોમધખતા બપોરે પણ બિનજરૂરી લાઈટો અને પંખા ચાલુ જોવા મળ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે, જ્યાં દર્દીઓ છે ત્યાં સુવિધાનો અભાવ છે. જનરલ વોર્ડમાં એક્ઝોસ્ટ ફેન રિપેર કરેલી હાલતમાં હોવા છતાં તેને ચાલુ કરવામાં આવતા નથી, જેના કારણે ઉનાળાના બફારામાં દર્દીઓ અને તેમના સગાઓ સફોકેશન અને અસહ્ય ગરમીમાં તડપી રહ્યા છે. કરોડોના ખર્ચે બનેલા નવા સુપર સ્પેશિયાલિટી વિભાગના RCC રોડમાં પણ ખાડા રહી જતા ત્યાં પાણી ભરાવાની કાયમી સમસ્યા સર્જાઈ છે.
હોસ્પિટલના કેમ્પસમાં સલામતીના નામે પણ મીંડું જોવા મળ્યું છે. રોડની બાજુમાં આવેલી ફૂટપાથ પર પેવર બ્લોક્સના ઢગલા કરી દેવામાં આવ્યા છે, પરિણામે દર્દીઓ અને વૃદ્ધોએ મજબૂરીમાં મુખ્ય રોડ પર ચાલવું પડે છે. ઇમર્જન્સી વાહનો અને એમ્બ્યુલન્સની સતત અવરજવર ધરાવતા આ માર્ગ પર ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાઈ શકે છે. આ ઉપરાંત, પાર્કિંગની અપૂરતી વ્યવસ્થાને કારણે દરરોજ સવારે દર્દીઓના સગાઓ અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને અથડામણના દ્રશ્યો સામાન્ય બની ગયા છે, જે હોસ્પિટલના સંચાલન સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, ખુલ્લામાં પડેલું આ ફર્નિચર લેપ્રસી હોસ્પિટલ ખાતે મોકલવાનું હતું, પરંતુ સમયસર નિકાલ ન થતા તે વરસાદની ભેટ ચડી ગયું. શું કોઈ જવાબદાર અધિકારી આ નુકસાનની ભરપાઈ કરશે? કે પછી જનતાના ટેક્સના પૈસાનું આ રીતે જ ધોવાણ થતું રહેશે? હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓ અત્યારે રામ ભરોસે હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સાધનો હોવા છતાં તેનો યોગ્ય ઉપયોગ ન થવો તે સત્તાધીશોની નિષ્ક્રિયતા સાબિત કરે છે.
ભાવનગર, અમરેલી અને બોટાદથી આવતા ગરીબ દર્દીઓ માટે આ હોસ્પિટલ છેલ્લી આશા હોય છે, પરંતુ અહીંની ગંદકી, બફારો અને વહીવટી અરાજકતા જોઈને દર્દીઓ વધુ બીમાર પડે તેવી હાલત છે. ફૂટપાથ ખુલ્લી કરવાથી લઈને વોર્ડમાં હવા-ઉજાસની વ્યવસ્થા કરવા સુધીની પાયાની જરૂરિયાતો સંતોષવામાં પણ હોસ્પિટલ તંત્ર વામણું પુરવાર થયું છે. હવે જોવાનું એ રહેશે કે આ ગ્રાઉન્ડ રિપોર્ટ બાદ જાગૃત અધિકારીઓ જાગશે કે પછી હોસ્પિટલની આ 'બીમાર' હાલત યથાવત રહેશે.