Loading Please Wait !!!
રાજ્યમંત્રી કમલેશ પટેલે વઢવાણ-સુરેન્દ્રનગર લોકમેળા માણ્યા: ઝાલાવાડની લોકસંસ્કૃતિની રંગત જામી

 

  • નાણાં અને જેલ રાજ્યમંત્રી કમલેશ પટેલે વઢવાણ ધરોહર અને સુરેન્દ્રનગર વિરાસત મેળાની લીધી મુલાકાત

  • ઝાલાવાડી પાઘડી, કોટી, અજરામર ટાવર અને હવામહેલ પ્રતીક મોમેન્ટો આપી કરાયું સન્માન

  • હેમંત જોશી દ્વારા 'પ્રેમરસ' અને કિરીટદાન ગઢવી-મયૂર દવે સહિતના કલાકારો દ્વારા લોકડાયરો પ્રસ્તુત

સિટી ન્યુઝ @ સુરેન્દ્રનગર

રાજ્યકક્ષાના નાણાં, પોલીસ હાઉસિંગ અને જેલ મંત્રી કમલેશ પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આયોજિત 'વઢવાણ ધરોહર લોકમેળો 2026' તેમજ 'સુરેન્દ્રનગર વિરાસત લોકમેળો 2026' ની ઉત્સાહભેર મુલાકાત લીધી હતી. ઝાલાવાડની ભવ્ય લોકસંસ્કૃતિ, ઐતિહાસિક વારસો અને પરંપરાગત કલાના રંગે રંગાયેલા આ બંને લોકમેળાઓમાં લોકસાહિત્ય તેમજ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.

મેળા પરિસરમાં આગમન વેળાએ આયોજકો અને પદાધિકારીઓ દ્વારા મંત્રીનું ઝાલાવાડી પાઘડી, પરંપરાગત કોટી, શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઐતિહાસિક ધરોહર સમાન હવામહેલ, અજરામર ટાવર અને લોકમેળાના વિશેષ લોગોવાળા મોમેન્ટો સ્મૃતિચિહ્ન તરીકે તેમને ભેટ આપવામાં આવ્યા હતા.

મેળા દરમિયાન આયોજિત સાંસ્કૃતિક મંચ પરથી વિવિધ કલાકારોએ શાનદાર કાર્યક્રમો રજૂ કર્યા હતા. વઢવાણ ધરોહર લોકમેળામાં હેમંત જોશી અને શબદ આર્ટ દ્વારા 'પ્રેમરસ' કાર્યક્રમ પ્રસ્તુત કરાયો હતો. જ્યારે સુરેન્દ્રનગર વિરાસત લોકમેળામાં લોકસાહિત્યકાર મયૂર દવે, કિરીટદાન ગઢવી, અનુભા ગઢવી, મુકેશ બારોટ અને રાજેન્દ્ર ગઢવી સહિતના નામાંકિત કલાકારોએ ભવ્ય લોકડાયરો રજૂ કરીને ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ ગૌરવપૂર્ણ પ્રસંગે રાજ્ય વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર રાકેશકુમાર રાઠોડ, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા તેમજ પાટડીના ધારાસભ્ય પી.કે. પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી અને મહાનુભાવોએ લોકસંસ્કૃતિના આ પર્વની સરાહના કરી હતી અને કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ ઉપરાંત ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલ ચાંપાનેરી, સાંસ્કૃતિક સમિતિ ચેરમેન ગજાનન ચૌહાણ, સિંચાઈ સમિતિ ચેરમેન રાજુ કરપડા, અગ્રણી દેવાંગ રાવલ, નાયબ મ્યુનિસિપલ કમિશનર જી.કે. મકવાણા, પારસ મકવાણા તેમજ વિવિધ સમિતિઓના ચેરમેનો, કાઉન્સિલરો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

મંત્રી કમલેશ પટેલે મેળો માણ્યો

રાજ્યમંત્રી કમલેશ પટેલે વઢવાણ અને સુરેન્દ્રનગરના ધરોહર લોકમેળા 2026 ની મુલાકાત લઈ લોકડાયરો અને સાંસ્કૃતિક કૃતિઓ માણી હતી. ઝાલાવાડી પાઘડી અને સ્મૃતિચિહ્નથી સન્માનિત થયેલા મંત્રી સાથે સ્થાનિક ધારાસભ્યો અને પદાધિકારીઓ જોડાયા હતા. કલાકારોએ લોકસાહિત્યની રમઝટ બોલાવી હતી, જેને માણવા હજારો નગરજનો ઉમટી પડ્યા હતા.