મોરબીના મોટા દહીસરામાં નકલી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ: 5 શખ્સોની ધરપકડ, રૂ. 20 લાખનો મુદ્દામાલ જપ્ત
-
મોટા દહીસરા ગામના કૃષ્ણનગરમાં મકાન ભાડે રાખી કેમિકલ મિશ્રિત નકલી દારૂ બનાવતા હતા
-
2 ડ્રમમાંથી 400 લિટર આલ્કોહોલ અને 1 ડ્રમમાંથી 200 લિટર પ્રિઝર્વેટિવ મિશ્રિત પ્રવાહી ઝડપાયું
-
બ્લેન્ડર સ્પાઈડ વ્હિસ્કીના સ્ટીકરો, બાર કોડ, બુચ અને બોટલિંગ મશીનરી કબજે કરવામાં આવી
સિટી ન્યુઝ @ મોરબી
ભાવનગરમાં તાજેતરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 13 લોકોના મોતની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં મોરબી જિલ્લામાંથી નકલી વિદેશી દારૂ બનાવવાની ગેરકાયદે મિની ફેક્ટરી ઝડપાતાં ભારે ચકચાર મચી ગઈ છે. મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે મોટા દહીસરા ગામે દરોડો પાડીને નકલી શરાબના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી 5 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડીને કુલ રૂ. 20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મોટા દહીસરા ગામ નજીક કૃષ્ણનગરમાં રહેતા મહેશ ઉર્ફે મુન્નો અને અજયસિંહ જાડેજા નામના શખ્સો પોતાના રહેણાંક મકાનમાં કેમિકલ ભેળવીને નકલી વિદેશી શરાબ તૈયાર કરી રહ્યા છે. બાતમીના આધારે દરોડો પાડતાં મકાનમાંથી 2 ડ્રમમાં ભરેલું 400 લિટર આલ્કોહોલ જેવું કેમિકલ તેમજ અન્ય 1 ડ્રમમાંથી કેમિકલ, કલર, પાણી, એસેન્સ અને પ્રિઝર્વેટિવ મિશ્રિત 200 લિટર તૈયાર પ્રવાહી મળી કુલ 600 લિટર કેમિકલ મળી આવ્યું હતું.
તપાસ દરમિયાન સ્થળ પરથી પ્રવાહી ખેંચવાની ઇલેક્ટ્રિક મોટર, પ્લાસ્ટિકની નળીઓ અને આલ્કોહોલની તીવ્રતા માપવાનું ડિજિટલ મીટર પણ મળી આવ્યું હતું. આ ઉપરાંત બ્રાન્ડેડ લુક આપવા માટે રાખવામાં આવેલી 1400 જેટલી ખાલી કાચની બોટલો, પ્લાસ્ટિકના બુચ, બોટલ સીલ કરવાના મશીનો, બોટલિંગ માટે 20 લિટરના પાણીના જગ તેમજ બ્લેન્ડર સ્પાઈડ વ્હિસ્કીના સ્ટીકરો, બોક્સ અને નકલી બાર કોડ તથા ક્યુઆર કોડના સ્ટીકરો પણ પોલીસે જપ્ત કર્યા છે.
આરોપીઓ આ ઝેરી અને નકલી દારૂને બજારમાં ઉતારે તે પહેલાં જ પોલીસે સપાટો બોલાવીને દારૂની મોટી બોટલોની 23 પેટી, રૂ. 6.50 લાખ રોકડા તેમજ પરિવહનમાં વપરાતી 1 કાર સહિત કુલ રૂ. 20 લાખનો સમાન જપ્ત કર્યો છે. ઝડપાયેલા તમામ આરોપીઓ સામે માળિયા તાલુકા પોલીસ મથકે કાયદેસરનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મોરબીના રફાળેશ્વર અને માળીયા મિયાણાના દેવગઢ ગામેથી આવા જ ઘરોમાં ચાલતા નકલી દારૂના કારખાના પકડાયા હતા. હાલમાં પોલીસ એ દિશામાં સઘન પૂછપરછ કરી રહી છે કે આ જીવલેણ આલ્કોહોલ કેમિકલ અને જાણીતી બ્રાન્ડના હૂબહૂ સ્ટીકરો અને બોટલિંગ સામાન ક્યાંથી અને કયા નેટવર્ક મારફતે સપ્લાય કરવામાં આવતો હતો.
મોરબીમાં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ
મોરબીના મોટા દહીસરામાં પોલીસે દરોડો પાડી નકલી વિદેશી દારૂ બનાવતી મિની ફેક્ટરી ઝડપી પાડી છે. બજારમાં દારૂ પહોંચે તે પહેલાં 5 આરોપીઓને 600 લિટર કેમિકલ, 1400 ખાલી બોટલો, બ્રાન્ડેડ સ્ટીકરો, કાર અને રૂ. 6.50 લાખ રોકડા સહિત કુલ રૂ. 20 લાખના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની તપાસ હાથ ધરાઈ છે.