Loading Please Wait !!!
અમદાવાદમાં 2 લાખ રિક્ષા-ટેક્સીના પૈડાં થંભ્યા: ઓનલાઇન એપ્સ સામે ચાલકોની હડતાળ

 

  • અમદાવાદ, ગાંધીનગર અને સાણંદમાં 7 થી 10 સપ્ટેમ્બર સુધી 2 લાખ વાહનો બંધ રહેશે

  • ખાનગી નંબર પ્લેટ પર ગેરકાયદે ચાલતી ઓનલાઇન બાઈક સેવાઓ બંધ કરવા ચાલકોની રજૂઆત

  • હડતાળના દિવસે જ ઓનલાઇન કંપનીઓએ કેબનું ભાડું 3 થી 4 ગણું વધારી દીધું

સિટી ન્યુઝ @ અમદાવાદ

અમદાવાદ શહેર તેમજ આસપાસના ગાંધીનગર અને સાણંદ વિસ્તારોમાં ઓનલાઇન બુકિંગ એપ્સ સામે રિક્ષા અને ટેક્સીચાલકોએ આંદોલનનું બ્યુગલ ફૂંક્યું છે. આજથી 10 સપ્ટેમ્બર સુધી શહેરના આશરે 2 લાખ જેટલા રિક્ષા અને ટેક્સીચાલકો હડતાળ પર ઉતર્યા છે. હડતાળના પ્રથમ દિવસે શહેરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો, જ્યાં ઓનલાઇન એપ્સ સાથે જોડાયેલા ચાલકોએ રસ્તા પર ઉતરીને ચાલુ રહેલી શટલ રિક્ષાઓમાંથી મુસાફરોને બળજબરીપૂર્વક નીચે ઉતાર્યા હતા તેમજ રેપિડો સહિતની બાઈક ટેક્સીઓને અટકાવી રાઇડ રદ કરાવી હતી.

આંદોલનકારી ચાલકોના જણાવ્યા મુજબ, મોંઘવારી અને સીએનજી ગેસના સતત વધતા ભાવો વચ્ચે ઓલા, ઉબર, રેપિડો અને ભારત ટેક્સી જેવી એપ્લિકેશન્સ ડ્રાઇવરોને કિલોમીટર દીઠ માત્ર રૂ. 8 થી 13 જેટલું નજીવું વળતર આપે છે. ભારે કમિશન કપાતના કારણે આખો દિવસ વાહન ચલાવવા છતાં ડ્રાઇવરો પાસે ગેસનો ખર્ચ કાઢ્યા બાદ માંડ રૂ. 200 થી 500 વધે છે. ચાલકોની સ્પષ્ટ માંગણી છે કે તમામ ઓનલાઇન અને ઓફલાઇન રિક્ષા માટે પ્રતિ કિલોમીટર ઓછામાં ઓછું રૂ. 20 નું ભાડું નક્કી કરવામાં આવે.

આ ઉપરાંત ચાલકોમાં ગેરકાયદે ચાલી રહેલી ઓનલાઇન બાઈક રાઇડ સેવાઓ સામે પણ ભારે રોષ ભભૂકી રહ્યો છે. રિક્ષાચાલક વિશાલ દંતાણી અને મંસૂરી અબ્દુલ મુનાફે જણાવ્યું હતું કે ટુ-વ્હીલર ચાલકો વ્હાઇટ નંબર પ્લેટ પર વ્યાવસાયિક પેસેન્જર સેવાઓ આપી રહ્યા છે અને તેઓ આરટીઓમાંથી કોમર્શિયલ પાસિંગ પણ કરાવતા નથી. ખૂબ જ સસ્તા દરમાં થતી આ બાઈક રાઇડ્સના લીધે નિયમિત રિક્ષાચાલકોની દૈનિક આવકમાં 50% થી 70% જેટલો જંગી ઘટાડો નોંધાયો છે.

બીજી તરફ, ટેક્સીચાલક મોહમ્મદ શોએબે કંપનીઓની નીતિઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે સામાન્ય દિવસોમાં 16 કિલોમીટર માટે કંપની માત્ર રૂ. 350 ભાડું આપતી હતી, જેમાંથી રૂ. 200 તો કમિશન પેટે કાપી લેવાતા હતા. જોકે, હડતાળના પ્રથમ દિવસે જ આ કંપનીઓએ કૃત્રિમ અછત સર્જીને ગ્રાહકો પાસેથી ભાડું 3 થી 4 ગણું વધારી દીધું હતું અને એ જ રૂટ માટે રૂ. 950 થી 1800 સુધીની ઓફર કરી હતી. આ પ્રકારની લૂંટ બંધ કરીને ગ્રાહક અને ડ્રાઇવર બંને માટે સ્થિર દર નક્કી થવા જોઈએ.

રિક્ષા અને ટેક્સી યુનિયનોએ રાજ્ય સરકારને ચેતવણી આપી છે કે જો 10 સપ્ટેમ્બર સુધીમાં યોગ્ય સમાધાન નહીં થાય તો આ હડતાળને રાજ્યવ્યાપી બનાવવામાં આવશે. યુનિયનો દ્વારા વિશાળ રેલી યોજીને આરટીઓ કચેરી અને ગાંધીનગર સચિવાલયનો ઘેરાવ કરવાની પણ તૈયારી દર્શાવાઈ છે. જોકે, રાહતરૂપે સ્કૂલ રિક્ષા અને વાન સેવાઓને હડતાળમાંથી મુક્ત રાખવામાં આવી છે, પરંતુ સામાન્ય મુસાફરો, નોકરિયાતો અને એરપોર્ટ-રેલવે સ્ટેશન જતા નાગરિકો માટે મુશ્કેલીઓ વધી ગઈ છે.

અમદાવાદમાં રિક્ષાચાલકોની 4 દિવસની હડતાળ

ઓનલાઇન એપ્સ દ્વારા મળતા ઓછા વળતર અને ગેરકાયદે બાઈક રાઇડ્સ સામે અમદાવાદમાં 2 લાખ રિક્ષા-ટેક્સીચાલકો હડતાળ પર ઉતર્યા છે. ચાલકોએ પ્રતિ કિલોમીટર રૂ. 20 ભાડું નક્કી કરવા માંગણી કરી છે. શટલમાંથી મુસાફરોને ઉતારવાના બનાવો વચ્ચે યુનિયનોએ માંગણીઓ નહીં સંતોષાય તો સમગ્ર ગુજરાતમાં આંદોલન વિસ્તારી કચેરીઓ ઘેરવાની ચીમકી આપી છે.