ગુજરાતના લાખો બાળકોના પોષણ પર સરકારી કાતર: ગુરુવારની પૌષ્ટિક સુખડીની યોજના સદંતર બંધ!
- એક તરફ કુપોષણ મુક્ત ગુજરાતના દાવા, બીજી તરફ 38 લાખ વિદ્યાર્થીઓના અલ્પહારમાં મોટો ઘટાડો
- 50 ગ્રામના બદલે હવે માત્ર 38 ગ્રામ નાસ્તો - મોટા બાળકોને ભૂખ્યા રહેવાનો વારો આવશે
- NGOને તગડી કમાણી અને સ્થાનિક સંચાલકોને અન્યાય - ઠંડુ ભોજન પીરસાતા વાલીઓમાં રોષ
ગુજરાત સરકાર એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે 'કુપોષણ મુક્ત ગુજરાત'ના મસમોટા વિજ્ઞાપનો કરી રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યના લાખો ગરીબ બાળકોના મોઢામાંથી પૌષ્ટિક કોળિયો છીનવવાની તૈયારીઓ થઈ રહી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. રાજ્યની 32 હજારથી વધુ શાળાઓમાં 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજના' હેઠળ અપાતા નાસ્તાના પ્રમાણમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે, એટલું જ નહીં વર્ષોથી ચાલી આવતી દર ગુરુવારની સુખડી યોજના પણ સદંતર બંધ કરી દેવામાં આવી છે.
જોખી-તોળીને અપાતો નાસ્તો: બાળકોના પેટ કેવી રીતે ભરાશે? સરકારના નવા આદેશ મુજબ, હવે બાળકોને 50 ગ્રામના બદલે સરેરાશ માત્ર 38 થી 46 ગ્રામ નાસ્તો આપવામાં આવશે. ખાસ કરીને ધોરણ 5 થી 8 ના મોટા બાળકો માટે આ પ્રમાણ સાવ અપૂરતું છે. જે બાળકો સવારે ભૂખ્યા પેટે શાળાએ આવે છે, તેમને હવે માત્ર 'એક ચમચો ચાટ' કે સુખડીના બે બટકાથી સંતોષ માનવો પડશે. આશ્ચર્યની વાત એ છે કે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓના સરકારી કાર્યક્રમોમાં 500 રૂપિયાની મોંઘી ડિશો પીરસાય છે, જ્યારે રાષ્ટ્રના ભવિષ્ય સમાન બાળકો માટે માત્ર 5 રૂપિયાની મર્યાદા નક્કી કરાઈ છે.
સુખડી યોજના પર કેમ ફરી કાતર? વર્ષ 2013-14 માં શરૂ થયેલી સુખડી યોજના માટે બજેટમાં વધારો કરીને વાર્ષિક 30 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. દર ગુરુવારે બાળકો હોંશે-હોંશે પૌષ્ટિક સુખડી જમતા હતા. પરંતુ હવે અચાનક આ યોજના બંધ કરી દેવાતા રાજ્યના આશરે 38 લાખ વિદ્યાર્થીઓના પોષણ પર સીધી અસર પડશે. હાલમાં રાજ્યમાં હજુ પણ 2 લાખ બાળકો કુપોષિત હોવાનું સરકારી આંકડા કહે છે, છતાં આવા પોષણક્ષમ કાર્યક્રમો બંધ કરવા પાછળનું કારણ શું? તેવા સવાલો ઉઠી રહ્યા છે.
NGO ની મલાઈ અને ઠંડુ ભોજન પીએમ પોષણ યોજનામાં સરકારની બેવડી નીતિ પણ સામે આવી છે. સેન્ટ્રલાઈઝ્ડ કિચન ચલાવતી NGO ને વધુ નાણાં ચૂકવવામાં આવે છે, પરંતુ બાળકો સુધી પહોંચતું ભોજન સાવ ઠંડુ હોય છે. બીજી તરફ, સ્થાનિક સ્તરે ભોજન બનાવતા સંચાલકોને ઓછી રકમ મળે છે અને રસોઈયાઓને લઘુતમ વેતન કરતા પણ ઓછું વળતર અપાય છે.
આ ગંભીર સ્થિતિને જોતા ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહ્ન ભોજન કર્મચારી મંડળે સરકારને ચીમકી આપી છે કે જો અલ્પહારની રકમ 5 રૂપિયાથી વધારીને 7 રૂપિયા કરવામાં નહીં આવે અને સુખડી યોજના ફરી શરૂ નહીં થાય તો આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શનો તેજ કરવામાં આવશે.