Loading Please Wait !!!
જામનગરમાં નિર્લિપ્ત રાયનો 'ખૌફ': બચુનગરમાં ₹2 કરોડની સરકારી જમીન પર ચાલ્યું જેસીબી!

  • રેન્જ IGની મુલાકાત બાદ તંત્ર એક્શનમાં - 12,000 ચો.મી. વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત
  • બચુનગરમાં બે માળનું ગેરકાયદે જમાતખાનું તોડી પડાયું - હીટાચી અને 3 જેસીબીની મદદથી કાર્યવાહી
  • આઈજી નિર્લિપ્ત રાયની હાજરીની અસર - સંવેદનશીલ વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામોનો સફાયો શરૂ

જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા આવેલા રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ તંત્ર સફાળું જાગ્યું છે. આજે વહેલી સવારે જામનગર મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે શહેરના બચુનગર વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ₹2 કરોડની બજાર કિંમત ધરાવતી અંદાજે 12,000 ચોરસ મીટર જમીન પરથી ગેરકાયદે દબાણો હટાવી તેને ખુલ્લી કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદીના કડક આદેશ બાદ, એસ્ટેટ શાખાના અધિકારી અનવર ગજણની રાહબરી હેઠળ 50 જેટલા કર્મચારીઓનો કાફલો બચુનગર પહોંચ્યો હતો. આ કાર્યવાહીમાં એક હીટાચી અને ત્રણ જેસીબી મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાની માલિકીની જગ્યામાં ગેરકાયદેસર રીતે ઉભું કરવામાં આવેલું બે માળનું ધાર્મિક બાંધકામ (જમાતખાનું) તોડી પાડવામાં આવ્યું હતું. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સિટી એ. ડિવિઝન પોલીસની ટુકડીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે જામનગરની મુલાકાત દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં ખુદ પેટ્રોલિંગ કર્યું હતું અને પોલીસ અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી. તેમની આ મુલાકાતના ગણતરીના કલાકોમાં જ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને બાંધકામો સામે તવાઈ શરૂ થઈ છે. આ કાર્યવાહીથી સ્થાનિક ભૂમાફિયાઓ અને દબાણખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારે ડિમોલેશન ચાલુ રાખવાના સંકેતો આપવામાં આવ્યા છે.