ભાવનગરમાં 16.83 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, સુમિત પરમારની ધરપકડ
DCB બેંક ખાતા દ્વારા કાળી કમાણી સગેવગે કરતો માસ્ટરમાઈન્ડ પોલીસના આકરા સકંજામાં
મહાવીરનગરના ભેજાબાજ સુમિત પરમારે ડિજિટલ માધ્યમોથી આચર્યું ભયાનક અને સનસનાટીભર્યું કૌભાંડ
2025 અને 2026 માં ખાતામાં થયેલા કરોડોના શંકાસ્પદ વ્યવહારોથી પોલીસ ચોંકી ઉઠી
સિટી ન્યુઝ @ ભાવનગર
ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસના અત્યંત આક્રમક અને સફળ ઓપરેશનમાં શહેરમાં ધમધમતા એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો સરેઆમ પર્દાફાશ કરવામાં આવ્યો છે. ભાવનગર શહેરના મહાવીરનગર વિસ્તારમાં રહેતા ભેજાબાજ સુમિત નરેશભાઈ પરમાર નામના શખ્સે દેશભરમાં આચરાયેલા સાયબર ગુનાઓની કરોડો રૂપિયાની કાળી કમાણી હેરફેર કરવાનું ભયાનક કૌભાંડ આચર્યું હતું. આ માસ્ટરમાઇન્ડે પોતાના DCB બેંક ખાતાનો ઉપયોગ કરી દેશભરના લોકોને લૂંટીને ભેગી કરાયેલી 16.83 કરોડથી વધુ રકમના કાળા નાણાંને ધોળા કરવાનો અત્યંત ખતરનાક ખેલ ખેલી પોલીસ તંત્રની ઊંઘ હરામ કરી નાખી હતી.
પોલીસની હાઈ-વોલ્ટેજ તપાસ દરમિયાન આંચકાજનક અને કાળજું કંપાવનારા આંકડા બહાર આવ્યા છે. આરોપીના આ એક જ બેંક ખાતામાં વર્ષ 2025 માં કુલ 9,18,60,853 અને વર્ષ 2026 માં 7,64,78,287 રૂપિયા મળીને કુલ 16,83,39,140 રૂપિયાના સનસનાટીભર્યા અને શંકાસ્પદ વ્યવહારો થયા હતા. આટલું જ નહીં, કેન્દ્ર સરકારના 'સમન્વય પોર્ટલ' પર ઝીણવટભરી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે દેશભરમાંથી નોંધાયેલી સાયબર ફ્રોડની 5 જેટલી અલગ-અલગ અરજીઓ સાથે સીધા સંકળાયેલા 1,83,382 રૂપિયા પણ આ જ બેંક ખાતામાં જમા થયા હતા, જેણે આરોપીના તમામ પાપનો ભાંડો ફોડી નાખ્યો હતો.
આરોપી સુમિત પરમાર પોતાના અંગત આર્થિક ફાયદા અને મસમોટા કમિશનની લાલચમાં આખા દેશના સાયબર ફ્રોડની આ કાળી કમાણી પોતાના ખાતામાં બેફામ મંગાવતો હતો. ત્યારબાદ આ શાતિર ગુનેગાર આ નાણાંને IBFT, RTGS, IMPS અને UPI જેવા ડિજિટલ માધ્યમો મારફતે અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી પલકવારમાં સગેવગે કરી નાખતો હતો. આ સળગતા મામલે નીલમબાગ પોલીસ મથકે તાત્કાલિક કમાન્ડો એક્શન લેતા આરોપી સુમિત પરમાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 317(2), 317(4) અને 54 હેઠળ આકરો ગુનો નોંધી, તેની ધરપકડ કરી તેને સીધો જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
કમિશનની લાલચમાં આચરાયું ભયાનક ષડયંત્ર
સાયબર ફ્રોડના કાળા નાણાંને સફેદ કરવા સુમિત પરમાર માત્ર કમિશન માટે કામ કરતો હતો. ભોળા લોકોને ઓનલાઇન ઠગીને ભેગા કરાયેલા કરોડો રૂપિયા આ ભેજાબાજના DCB એકાઉન્ટમાં આવતા હતા. પોલીસે 16.83 કરોડના શંકાસ્પદ ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઝડપી પાડી આખા દેશમાં ચાલતા કૌભાંડના મૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. અન્ય સાગરીતો પણ પકડાય તેવી પ્રબળ શક્યતા છે.