જૂનાગઢમાં ગાંજાના કેસનો મુખ્ય સૂત્રધાર ઝબ્બે: SOG એ કુખ્યાત ‘શેઠુ’ ને દબોચ્યો
- યુપીથી માદક પદાર્થો મંગાવનાર સરફરાજ ઉર્ફે કારો જમાલવાડી વિસ્તારમાંથી ઝડપાયો
- હત્યાની કોશિશ અને મારામારી સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપીનો આવ્યો અંત
- ગાઝીપુરથી આવતા નશાના કાળા કારોબારનો મુખ્ય કડીરૂપ શખ્સ જમાલવાડીમાંથી ઝડપાયો
સિટી ન્યુઝ @ જૂનાગઢ
જૂનાગઢ પોલીસ દ્વારા નશાના કારોબાર અને નાસતા-ફરતા ગુનેગારોને ડામવા માટે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશમાં એસ.ઓ.જી. (SOG) ને મોટી સફળતા મળી છે. જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. એક્ટ હેઠળના ગંભીર ગુનામાં લાંબા સમયથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા મુખ્ય સૂત્રધાર સરફરાજ ઉર્ફે કારો ઉર્ફે શેઠુ અબ્બુભાઈ કુરેશીને પોલીસે દબોચી લીધો છે. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કુણાલ એમ. પટેલના નેતૃત્વમાં ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મળેલી ચોક્કસ બાતમીને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આરોપી સરફરાજની ગુનાહિત કુંડળી તપાસતા સામે આવ્યું છે કે તેણે અગાઉ ઉત્તરપ્રદેશના ગાઝીપુર ખાતેથી મોટા પાયે ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો. આ જથ્થો ડિલિવર કરવા આવનાર પરપ્રાંતીય શખ્સ અગાઉ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો, પરંતુ મુખ્ય સુત્રધાર એવો સરફરાજ તે સમયે નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ત્યારથી પોલીસ સતત તેનો પીછો કરી રહી હતી. આખરે બાતમી મળી હતી કે તે તેના જ રહેણાંક વિસ્તાર જમાલવાડી ખાડીયામાં છુપાયો છે, જ્યાંથી પોલીસે તેને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે.
માત્ર ૨૨ વર્ષની વય ધરાવતો સરફરાજ ગુનાહિત ઇતિહાસ ધરાવતો રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ અગાઉ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ (IPC 307), મારામારી તેમજ જી.પી. એક્ટ હેઠળ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત તે જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પણ સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. નાની ઉંમરે ગંભીર ગુનાઓ આચરવાની તેની પદ્ધતિને કારણે તે વિસ્તારમાં કુખ્યાત બન્યો હતો.
આરોપીની ધરપકડ બાદ પોલીસ દ્વારા તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશના માદક પદાર્થોના નેટવર્ક સાથે તેની સાંઠગાંઠ કેવી રીતે થઈ અને આ નેટવર્કમાં અન્ય કેટલા સ્થાનિક શખ્સો સામેલ છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. આ સફળ ઓપરેશનમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઈ. કુણાલ પટેલ સાથે પી.એસ.આઈ. ડી.કે. સરવૈયા અને હેડ કોન્સ્ટેબલ પ્રતાપભાઈ, મહેન્દ્રભાઈ સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.
જૂનાગઢ પોલીસે આરોપીને હસ્તગત કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ધરપકડને પગલે જૂનાગઢમાં નશાનો વેપાર કરતા અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસના જણાવ્યા મુજબ, શહેરને નશામુક્ત બનાવવા અને નાસતા-ફરતા રીઢા ગુનેગારોને પકડવા માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારની આકરી કાર્યવાહી ચાલુ રહેશે. આરોપીને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.