રાજકોટમાં 9 બટુકોએ સમૂહમાં નૂતન યજ્ઞોપવિત ધારણ કરી
- ઝાલાવાડ ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કાર્યક્રમ યોજાયો
- સમાજ અને દાતાઓ તરફથી દરેક બટુકને 25 ઉપયોગી વસ્તુઓ ભેટ
સિટી ન્યૂઝ@રાજકોટ : ઝાલાવાડ 17 તાલુકા ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મસમાજ દ્વારા રાજકોટમાં સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર ધાર્મિક પ્રસંગે 9 બટુકોએ વિદ્વાન પંડિતોની નિશ્રામાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નૂતન યજ્ઞોપવિત (જનોઈ) ધારણ કરી ઉપનયન સંસ્કાર ગ્રહણ કર્યા હતા.
રાજકોટમાં છેલ્લા 6 દાયકાથી કાર્યરત અને મૂળ ઝાલાવાડવાસીઓ માટે સમાજોપયોગી પ્રવૃત્તિ કરતી આ સંસ્થા દ્વારા 3-5-2026, રવિવારના રોજ સંતોષ પાર્ક મેઈન રોડ પર આવેલા મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં આ કાર્યક્રમ યોજાયો હતો. શાસ્ત્રી મનિષ ઉપાધ્યાયના આચાર્ય પદે વૈદિક મંત્રોચ્ચાર સાથે તમામ 9 બટુકોને જનોઈ આપવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના કારોબારી સભ્યો અને અન્ય દાતાઓ તરફથી દરેક બટુકને ઉપયોગી 25 જેટલી વસ્તુઓ ભેટસ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી.
આ ધાર્મિક કાર્યક્રમમાં બ્રહ્મસમાજના અનેક અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી. જેમાં રાજકોટ નાગરિક બેંકના ચેરમેન દિનેશ પાઠક, નગરસેવક પરેશ ઠાકર, ધારાશાસ્ત્રી અંશ ભારદ્વાજ, સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ દર્શિત જાની, પી. બી. ત્રિવેદી, પ્રફુલ દવે, રાજુ જોશી, રાજુ વ્યાસ, હળવદ બ્રહ્મ મિત્ર મંડળના જયેશ જાની, વિપુલ શુક્લ, વિપુલ વ્યાસ, કમલેશ ત્રિવેદી, કૌશિક પાઠક, પૂર્વ નગરસેવક મનિષ રાડિયા, તેજશ ત્રિવેદી, ઉદ્યોગપતિ વિજય દવે અને રાહુલ જોશી, ડો. કે. કે. રાવલ, આત્મીય યુનિવર્સિટીના ડીન ઘનશ્યામ આચાર્ય, જનાર્દન આચાર્ય, બાલેન્દુ જાની, સુરભીબેન આચાર્ય અને ડો. કવિતાબેન ઠાકર જોશી સહિતના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ કમલેશ જોશી અને મહામંત્રી પરાગ ભટ્ટના માર્ગદર્શન હેઠળ કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.