Loading Please Wait !!!
સ્ક્રુટિનીમાં ફોર્મનો ફિયાસ્કો: રાજ્યમાં ટેકનિકલ ખામીઓના કારણે 9,819 ફોર્મ એકઝાટકે રદ

  • પંચાયતોમાં સૌથી વધુ 6,721 ફોર્મ અમાન્ય ઠર્યા, અનેક મૂરતિયાઓના ચૂંટણી લડવાના સપના રોળાયા
  • મનપાથી લઈને તાલુકા પંચાયત સુધી દસ્તાવેજી ખામીઓ નડી, જાણો ક્યાં કેટલા ફોર્મ રદ થયા?
  • તાલુકા પંચાયતમાં રેકોર્ડબ્રેક 5,000થી વધુ ફોર્મ અમાન્ય, હવે મર્યાદિત ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાથ ધરવામાં આવેલી ફોર્મ ચકાસણી (સ્ક્રુટિની) માં મોટો ધડાકો થયો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, સમગ્ર રાજ્યમાં વિવિધ ક્ષતિઓના કારણે કુલ 9,819 ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા છે. આ મોટા પાયે થયેલા ઘટાડાને કારણે હવે ચૂંટણી મેદાનમાં મર્યાદિત ઉમેદવારો રહ્યા છે, જેનાથી રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળી શકે છે.

વિગતો મુજબ, સૌથી વધુ ફોર્મ રદ થવાની ઘટના પંચાયત સ્તરે જોવા મળી છે. જિલ્લા અને તાલુકા પંચાયતમાં કુલ 6,721 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. ખાસ કરીને તાલુકા પંચાયતમાં સૌથી વધુ રસાકસી જોવા મળી હતી, જ્યાં 20,000 થી વધુ ફોર્મ ભરાયા હતા. જેમાંથી 5,000 થી વધુ ફોર્મ દસ્તાવેજી કે ટેકનિકલ ખામીઓને કારણે અમાન્ય ઠર્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં થયેલી નાની-નાની ભૂલો અત્યારે તેમને ભારે પડી રહી છે.

મહાનગરપાલિકાઓની વાત કરીએ તો, અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. મનપાની ચૂંટણી માટે ભરાયેલા ફોર્મમાંથી 1,934 ફોર્મ ચકાસણી દરમિયાન રદ કરવામાં આવ્યા છે. અનેક દિગ્ગજ નેતાઓના ડમી ઉમેદવારો અને અપક્ષોના ફોર્મ કપાઈ જતા હવે પક્ષો વચ્ચે સીધો મુકાબલો થવાની શક્યતા વધી ગઈ છે. નગરપાલિકાઓમાં પણ 1,164 જેટલા ઉમેદવારી પત્રો રદ કરાયા છે.

ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફોર્મ રદ થવા પાછળ મુખ્યત્વે અધૂરી વિગતો, સોગંદનામામાં ભૂલો, જરૂરી પ્રમાણપત્રોનો અભાવ અને મતદાર યાદીમાં નામની વિસંગતતા જેવા કારણો જવાબદાર છે. સ્ક્રુટિની પ્રક્રિયા દરમિયાન અનેક બેઠકો પર હરીફ ઉમેદવારોએ એકબીજા સામે વાંધા-વચકા પણ લીધા હતા, જેમાંથી અનેક કિસ્સાઓમાં ફોર્મ રદ કરવાની નોબત આવી હતી. આ પ્રક્રિયા બાદ હવે રાજકીય પક્ષો પોતાના સત્તાવાર ઉમેદવારોને જીતાડવા માટે આયોજન કરી રહ્યા છે.

હવે સૌની નજર 15 એપ્રિલ પર છે, જે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આ દિવસે અનેક અપક્ષો અને બળવાખોર ઉમેદવારો પક્ષના દબાણ કે સમજાવટ બાદ ફોર્મ પરત ખેંચી શકે છે. 15 એપ્રિલની સાંજે જ ખબર પડશે કે કઈ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે. હાલમાં તો હજારો ફોર્મ રદ થવાને કારણે ચૂંટણી તંત્રની કામગીરી પર પણ ધ્યાન કેન્દ્રિત થયું છે અને બાકી રહેલા ઉમેદવારોએ પ્રચાર અભિયાનના શ્રીગણેશ કરી દીધા છે.