જામનગરની જળસીમા પર મરીન કમાન્ડોનું 'અભેદ્ય' કવચ: પશ્ચિમ એશિયામાં યુદ્ધના એંધાણ વચ્ચે દરિયાઈ પટ્ટી પર હાઈ-એલર્ટ!
- જોડીયા બંદરથી સચાણા જેટી સુધી મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ - શંકાસ્પદ બોટ અને ગતિવિધિઓ પર બાજ નજર
- આંતરરાષ્ટ્રીય તણાવ વચ્ચે ભારતની જળસીમા સુરક્ષિત રાખવા કવાયત - બાલાચડી અને શિપ બ્રેકિંગ યાર્ડમાં ઝીણવટભર્યું ચેકિંગ
- અમિતકુમાર વિશ્વકર્મા અને એ.એમ. મુનિયાના નેતૃત્વમાં ખાસ ઓપરેશન - શંકાસ્પદ લેન્ડિંગ પોઈન્ટ્સ પર પોલીસનો પહેરો
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાને રાખીને ભારત સરકાર દ્વારા દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને અત્યંત સજ્જ કરવામાં આવી છે. ગુજરાતની લાંબી દરિયાઈ પટ્ટી ધરાવતા જામનગર જિલ્લામાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા એક વિશેષ અને સઘન પેટ્રોલિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય કોઈપણ સંભવિત ખતરા સામે દેશની જળસીમાને સુરક્ષિત રાખવાનો છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કવાયતમાં ATS અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓએ આદેશો જારી કર્યા હતા. આ ઓપરેશન હેઠળ જામનગર સેક્ટરના મરીન કમાન્ડોની ટીમોએ જિલ્લાના અતિ સંવેદનશીલ ગણાતા જોડીયા બંદર, બાલાચડી વિસ્તાર અને સચાણા શિપ બ્રેકિંગ યાર્ડમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. ખાસ કરીને સચાણા જેટી અને તેની આસપાસની સમગ્ર કોસ્ટલ પટ્ટીને સુરક્ષાના ઘેરામાં લેવામાં આવી હતી.
મરીન ટાસ્ક ફોર્સના પી.આઈ. ડી.આર. યાદવ અને પી.એસ.આઈ. ડી.એચ. જાડેજાના નેતૃત્વમાં કમાન્ડોએ દરિયાકાંઠાના લેન્ડિંગ પોઈન્ટ્સ, ફિશિંગ સેન્ટરો અને અવાવરુ સ્થળોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન દરિયામાં અવરજવર કરતી દરેક નાની-મોટી બોટનું ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું અને શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓના મતે, આતંકવાદી ઘટનાઓ બાદ અપાતા હાઈ-એલર્ટ કરતા સામાન્ય સમયગાળામાં રાખવામાં આવતી આવી સતર્કતા ઘૂસણખોરીના મનસૂબાઓને નિષ્ફળ બનાવવા માટે વધુ અસરકારક સાબિત થાય છે.
જામનગરના રિફાઈનરી અને અન્ય સંવેદનશીલ ઉદ્યોગોને ધ્યાને રાખીને આ દરિયાઈ સુરક્ષા કવાયત અત્યંત મહત્વની માનવામાં આવે છે. કોઈપણ કટોકટીપૂર્ણ પરિસ્થિતિ ઉભી થાય તે પહેલાં પૂર્વતૈયારીના ભાગરૂપે આ સઘન પેટ્રોલિંગ સતત ચાલુ રાખવામાં આવશે. રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેથી દુશ્મન દેશોની કોઈપણ ગતિવિધિને દરિયામાં જ ડામી શકાય.