મકાતી પરિવાર દ્વારા રાજકોટમાં ભાગવત સપ્તાહનું આયોજન
- 17 થી 23 મે દરમિયાન રાધિકા ફાર્મ ખાતે શાસ્ત્રી રાકેશભાઈ ભટ્ટ કથામૃતનું પાન કરાવશે
- દરરોજ બપોરે કથા અને રાત્રે નાટક, ડાયરો તથા રાસોત્સવ જેવા આકર્ષક કાર્યક્રમો યોજાશે
સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટમાં નીતાબેન તથા ધર્મેશભાઈ કિશોરભાઈ મકાતી પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સપ્તાહનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ ભક્તિમય કાર્યક્રમ 17 થી 23 મે 2026 દરમિયાન ન્યુ 150 ફૂટ રીંગ રોડ પર આવેલા પરસાણા ચોક સ્થિત રાધિકા ફાર્મ ખાતે યોજાશે. દરરોજ બપોરે 3 થી 7 વાગ્યા દરમિયાન જાણીતા કથાકાર શાસ્ત્રી રાકેશભાઈ ભટ્ટ પોતાની અમૃતમય વાણીમાં શ્રોતાઓને ભગવાનના દિવ્ય પ્રસંગોનું રસપાન કરાવશે.
આયોજક ધર્મેશભાઈ મકાતીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આજના વ્યસ્ત જીવનમાં લોકો આધ્યાત્મિકતાથી દૂર જઈ રહ્યા છે, ત્યારે આવા ધાર્મિક કાર્યક્રમો લોકોને આત્મશાંતિ અને સકારાત્મકતા તરફ દોરી જાય છે. આ કથા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરણારૂપ બનશે. આ પ્રસંગે તેમણે આજકાલના એડિટર ઇન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણીને રૂબરૂ આમંત્રણ પાઠવ્યું હતું.ભાગવત સપ્તાહનો પ્રારંભ 17 મેના રોજ (રવિવારે) બપોરે 4 વાગ્યે સ્પીડવેલ ચોક સ્થિત શ્રીનાથધામ હવેલીથી નીકળનારી ભવ્ય પોથીયાત્રાથી થશે. જેમાં ભજન-કીર્તન અને હરિનામના ગુંજનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જશે. કથા દરમિયાન દરરોજ બપોરે 3 થી 7 વાગ્યા સુધી વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવાશે અને રાત્રે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.
રોજિંદા પ્રસંગો અને રાત્રિ
કાર્યક્રમોની વિસ્તૃત ઝલક
- 18 મે (સોમવાર): બપોરે શુકદેવજી-પરીક્ષિત ચરિત્ર કથા રજૂ થશે, જેમાં જ્ઞાનના સંચારનો મહિમા સમજાવાશે. રાત્રે 9 વાગ્યે શ્રોતાઓની હળવાશ માટે પ્રીત ગોસ્વામી પ્રસ્તુત પારિવારિક હાસ્ય નાટક 'ઉછીનો બાપ' ભજવાશે.
- 19 મે (મંગળવાર): બપોરે નૃસિંહ પ્રાગટ્ય ચરિત્ર દ્વારા પ્રહલાદની અડગ ભક્તિ અને અહંકાર પર સત્યના વિજયની કથા રજૂ થશે. રાત્રે 45 કલાકારોની મોટી ટીમ દ્વારા મર્યાદા પુરુષોત્તમ 'શીલવાન રામ' ની ભવ્ય પ્રસ્તુતિ કરાશે.
- 20 મે (બુધવાર): બપોરે વામન-રામ-કૃષ્ણ જન્મોત્સવની નંદ મહોત્સવ સમાન ભવ્ય ઉજવણી થશે. રાત્રે જાણીતા લોકગાયક ઉમેશ બારોટના સથવારે યુવાનો અને ભાવિકો માટે કૃષ્ણ ભક્તિ રાસોત્સવ યોજાશે.
- 21 મે (ગુરુવાર): બપોરે ગીરીરાજ ગોવર્ધન ઉત્સવ અન્વયે ભગવાનને છપ્પન ભોગના દર્શન અને પ્રકૃતિ પૂજાનો સંદેશ અપાશે. રાત્રે લોકસાહિત્યના દિગ્ગજ કલાકારો કીર્તીદાન ગઢવી, સાગરદાન ગઢવી અને જયદેવ ગોસાઈનો ભવ્ય ભજન-ડાયરો જામશે.
- 22 મે (શુક્રવાર): બપોરે રુક્ષ્મણી વિવાહનો ઐતિહાસિક પ્રસંગ ઉજવાશે, જેમાં કોયલકંઠી ગાયિકા લલિતાબેન ઘોડાદ્રાના સ્વરમાં લગ્નગીતો ગવાશે. રાત્રે 45 કલાકારોની વિશેષ ટીમ દ્વારા રાસલીલા અને મનમોહક વ્રજલીલા રજૂ કરાશે.
- 23 મે (શનિવાર): બપોરે અંતિમ દિવસે સુદામા ચરિત્ર દ્વારા નિસ્વાર્થ ભક્તિ અને સાચી મિત્રતાના મહિમા સાથે આ ભવ્ય ભાગવત કથાની ભાવસભર પૂર્ણાહુતિ થશે.