Loading Please Wait !!!
"સુરતના કાપોદ્રામાં 51 મુસાફરો ભરેલી ST બસ બની 'અગનગોળો': ડ્રાઈવરની સતર્કતાથી 51 જિંદગી બચી"

  • ચાલુ બસમાં ધુમાડા નીકળતા જ મુસાફરોને ઉતારી દીધા - પેટ્રોલ પંપની નજીક જ આગ લાગતા ફફડાટ
  • જલારામ ફર્નિચર પાસે સર્જાયા કાળમુખા દ્રશ્યો - પેટ્રોલ પંપ પરની ભીડ વચ્ચે ફાયર ફાઈટરોની ભારે જહેમત
  • સુરત-તરસાડી બસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકા - કાપોદ્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે

સુરત શહેરના વરાછા-કાપોદ્રા મેઈન રોડ પર સોમવારે સાંજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. સુરતથી તરસાડી તરફ જઈ રહેલી એસટી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. બસમાં તે સમયે ૫૧ મુસાફરો સવાર હતા, પરંતુ ડ્રાઈવરની સતર્કતાને કારણે એક મોટી જાનહાનિ ટળી છે. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી બસ લોખંડના હાડપિંજરમાં ફેરવાઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ, બસ જ્યારે કાપોદ્રાના જલારામ ફર્નિચર પાસે પહોંચી ત્યારે ડ્રાઈવર સાઈડમાંથી અચાનક ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું. ડ્રાઈવરે પળવારનો પણ વિલંબ કર્યા વગર બસ અધવચ્ચે ઉભી રાખી દીધી અને બૂમ પાડી હતી કે, "બધા તાત્કાલિક નીચે ઉતરી જાવ." મુસાફરો કંઈ સમજે તે પહેલા જ અફરાતફરીમાં નીચે ઉતરી ગયા હતા અને તેના થોડી જ સેકન્ડોમાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી.

આ ઘટના સમયે સૌથી મોટું જોખમ બાજુમાં જ આવેલા પેટ્રોલ પંપનું હતું. પેટ્રોલ પંપ પર વાહનોની ભારે ભીડ હોવાથી અને રોડ પર ટ્રાફિક જામ હોવાથી જો આગ પંપ સુધી પ્રસરી હોત તો આખું વિસ્તાર ધણધણી ઉઠત. કાપોદ્રા ફાયર સ્ટેશન નજીક હોવા છતાં, રસ્તા પર વાહનોની લાંબી કતારોને કારણે ફાયરની ૩ ગાડીઓએ જીવના જોખમે રોંગ સાઈડમાં દોડવું પડ્યું હતું. ફાયર ઓફિસર કિરણ પટેલના જણાવ્યા અનુસાર, ડ્રાઈવર સાઈડમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શક્યતા છે.

અંદાજે અડધા કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતા જ કાપોદ્રા પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને ટ્રાફિક હળવો કરીને પરિસ્થિતિ થાળે પાડી હતી. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ભીડભાડવાળા વિસ્તારમાં લાગેલી આ આગે તંત્ર અને મુસાફરો બંનેના શ્વાસ અધ્ધર કરી દીધા હતા.