અમદાવાદ પોલીસમાં મોટું શુદ્ધિકરણ: 67 PIની બદલી અને પોસ્ટિંગ, ભલામણ કરનારા 'વગદારો' ને કમિશનરનો 'સોરી'!
- 13 PI ની આંતરિક બદલી અને બહારથી આવેલા 54 ને અપાયું પોસ્ટિંગ – વહીવટદારો અને વચેટિયાઓની સિસ્ટમ પર વાગ્યો બ્રેક.
- વિવાદિત અધિકારીઓને સાઈડ પોસ્ટિંગ અને કંટ્રોલ રૂમનો રસ્તો દેખાડાયો – કમિશનર ઓફિસનું કડક વલણ
- સીઆર (CR) અને પાછલી કામગીરીના આધારે નિષ્પક્ષ પોસ્ટિંગ – પોલીસ બેડામાં ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગી
અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં લાંબા સમયથી ચાલી આવતી 'વહીવટદારો' અને 'વગદારો' ની પ્રથા પર કમિશનર ઓફિસે મોટો બ્રેક માર્યો છે. શહેરમાં ૬૭ પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) ની બદલી અને પોસ્ટિંગના ઓર્ડર સાથે જ પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ બદલીઓમાં સૌથી મહત્વની વાત એ છે કે, કોઈ પણ અધિકારીને પોસ્ટિંગ આપતી વખતે કોઈ રાજકીય ભલામણ કે વચેટિયાઓની ભૂમિકાને બિલકુલ સ્થાન આપવામાં આવ્યું નથી. કમિશનર કચેરીએ સ્પષ્ટ કરી દીધું છે કે જે અધિકારીનો ટ્રેક રેકોર્ડ સારો હશે, તેને જ મહત્વના પોલીસ મથકો સોંપાશે.
અગાઉ અમદાવાદમાં એવી પ્રથા હતી કે જે તે વિસ્તારના વગદાર માણસો પોતાની પસંદગીના PI ને તે વિસ્તારમાં પોસ્ટિંગ અપાવતા હતા, જેના કારણે પોલીસની છબી ખરડાતી હતી. પરંતુ હવે કમિશનર ઓફિસના સ્પષ્ટ વલણને કારણે વગદારોએ કમિશનર કચેરીએ ફોન કરવાનું ટાળ્યું છે. શહેરમાં જે ૧૩ PI ની આંતરિક બદલી થઈ છે અને બહારથી આવેલા ૫૪ PI ને જે પોસ્ટિંગ મળ્યું છે, તે તેમની ભૂતકાળની કામગીરી, મેળવેલા ઇનામો અને સર્વિસ રેકોર્ડના આધારે જ અપાયું છે. જે અધિકારીઓ અગાઉ વિવાદોમાં રહ્યા છે અથવા જેમની કામગીરી નબળી છે, તેમને મહત્વના સ્ટેશનોને બદલે ટ્રાફિક કે કંટ્રોલ રૂમમાં સાઈડ પોસ્ટિંગ આપી દેવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, અમદાવાદના નારોલ, નરોડા, વટવા, બોડકદેવ, નવરંગપુરા અને ઘાટલોડિયા જેવા મોટા પોલીસ મથકો લાંબા સમયથી ઈન્ચાર્જ પીઆઈથી ચાલતા હતા, જ્યાં હવે નવા અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે. કમિશનરના આ પારદર્શક અભિગમથી નિષ્ઠાવાન અધિકારીઓમાં ખુશીનો માહોલ છે, જ્યારે ભલામણોના આધારે પ્રાઈમ પોસ્ટિંગ મેળવવાની પેરવીમાં રહેલા કેટલાક અધિકારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. આ ઉપરાંત, એક જ પોલીસ મથકમાં ૩ વર્ષથી વધુ સમયથી ચીટકી રહેલા હજારો નીચલા સ્તરના કર્મચારીઓની પણ બદલીઓ કરીને વર્ચસ્વ તોડવાનો પ્રયાસ કરાયો છે.
આ નવી પોસ્ટિંગ સીધી રીતે પોલીસિંગની ગુણવત્તામાં સુધારો લાવશે તેવું માનવામાં આવે છે. વચેટિયાઓની ભૂમિકા ખતમ થવાથી હવે અધિકારીઓએ કોઈ ચોક્કસ વ્યક્તિની મરજી મુજબ કામ કરવાની જરૂર રહેશે નહીં, જે સીધો ફાયદો સામાન્ય જનતાને થશે. આગામી દિવસોમાં આ ફેરફારોની અસર શહેરની કાયદો અને વ્યવસ્થા પર હકારાત્મક રીતે જોવા મળી શકે છે.