NH-48 પર મોતનું ટેન્કર સળગ્યું: જાંબુવા બ્રિજ પાસે 23 ટન એસિડ ભરેલું ટેન્કર ખાખ, હાઈવે પર અફરાતફરી!
- ટાયરમાં આગ લાગતા આખું ટેન્કર જ્વાળાઓમાં લપેટાયું - 5 ફાયર સ્ટેશનની ટીમોએ 4 કલાકની જહેમત બાદ આગ બુઝાવી
- 'બેસ્ટ' એસિડના કારણે આગે પકડ્યું વિકરાળ સ્વરૂપ - હાઈવે પર વાહન-વ્યવહાર ડાયવર્ટ કરવાની પડી ફરજ
- રાત્રિના અંધકારમાં દૂરોદૂર સુધી દેખાઈ આગની જ્વાળાઓ - વડોદરા ફાયર બ્રિગેડના જવાનોનું મેગા ઓપરેશન
વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર ગત મોડી રાત્રે એક ભીષણ આગની ઘટના બની હતી. જાંબુવા બ્રિજ પરથી પસાર થઈ રહેલા એક એસિડ ભરેલા ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળતા હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી. ટેન્કરમાં અત્યંત જ્વલનશીલ 'બેસ્ટ' નામનું એસિડ હોવાને કારણે આગે પલવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે હાઈવે પર દૂરોદૂર સુધી આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી.
મળતી માહિતી મુજબ, રાજસ્થાનથી ભરૂચના દહેજ તરફ જઈ રહેલા આ ટેન્કરના ટાયરમાં બૂસ્ટર જામ થઈ જવાને કારણે પ્રથમ ટાયરમાં આગ લાગી હતી. ડ્રાઈવર કંઈ સમજે તે પહેલા જ આગે આખા ટેન્કરને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. સદનસીબે, ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી ટેન્કરમાંથી કૂદી પડતા તેનો આબાદ બચાવ થયો હતો.
ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડ એક્શન મોડમાં આવ્યું હતું. સૌપ્રથમ GIDC ફાયર સ્ટેશનની ટીમ પહોંચી હતી, પરંતુ આગની ગંભીરતા જોતા પાણીગેટ, ERC, TP-13 અને વડીવાડી ફાયર સ્ટેશનની ટીમોને પણ બોલાવવી પડી હતી. કુલ પાંચ ફાયર સ્ટેશનના જવાનોએ ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દરમિયાન સલામતીના ભાગરૂપે હાઈવે પરનો વાહન-વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો અને રોડની એક સાઈડ સંપૂર્ણ બંધ કરી દેવાઈ હતી.
આ ભીષણ આગમાં ટેન્કરમાં ભરેલું આશરે 23 ટન એસિડ બળીને ભસ્મીભૂત થઈ ગયું છે અને ટેન્કર પણ માત્ર લોખંડના માળખામાં ફેરવાઈ ગયું છે. નેશનલ હાઈવે પર કેમિકલ ટેન્કરોની અવરજવર વચ્ચે બનેલી આ ઘટનાએ ફરી એકવાર વાહનોની ફિટનેસ અને સલામતીના સાધનો સામે સવાલ ઉભા કર્યા છે. હાલમાં હાઈવે પર ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો છે અને આગ લાગવાના ટેકનિકલ કારણોની વધુ તપાસ હાથ ધરાઈ છે.