કાશીના મણિકર્ણિકા ઘાટના ડોમ સમુદાય પર MSUના વિદ્યાર્થીનો ચોંકાવનારો અભ્યાસ
- મૃતકોને મોક્ષ આપનારો વર્ગ આજે પણ ભયંકર સામાજિક ભેદભાવનો ભોગ
- વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના વ્રજ ઠક્કરે ગાઈડના માર્ગદર્શન હેઠળ સંશોધન કર્યું
- સતત લાશો વચ્ચે રહેતા હોવાથી માનસિક તણાવ ગાયબ કરવા દારૂ-તમાકુનો સહારો
સિટી ન્યુઝ @ વડોદરા
"સુરતનું જમણ અને કાશીનું મરણ" - આ સનાતન કહેવત મુજબ કાશીના પવિત્ર મણિકર્ણિકા ઘાટ પર મૃત્યુ પામવું એ મોક્ષનું દ્વાર ગણાય છે. પરંતુ, ચોવીસે કલાક ચિતાઓની અગ્નિથી ધખધખતા આ ઘાટ પર અન્યોને મોક્ષ અપાવનારા અસલી 'મહાનાયકો' એટલે કે ડોમ સમુદાયના લોકોના પોતાના જીવનમાં કેટલો અંધકાર અને પીડા વણાયેલી છે, તેના પર વડોદરાની વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની સોશિયલ વર્ક ફેકલ્ટીના એક વિદ્યાર્થીએ અત્યંત ચોંકાવનારો અને આંખ ઉઘાડનારો અભ્યાસ રજૂ કર્યો છે. વિદ્યાર્થી વ્રજ ઠક્કરે પોતાના ગાઈડ મનિષ ધાકડના માર્ગદર્શન હેઠળ મણિકર્ણિકા ઘાટ પર રાત-દિવસ શારીરિક-માનસિક કષ્ટ ભોગવતા લોકોની સળગતી સમસ્યાઓ પર સંશોધન કરીને સમાજની ક્રૂરતાને ઉજાગર કરી છે.
આ સંશોધનના આંકડા હૃદય કંપાવી દે તેવા છે. અભ્યાસમાં સામેલ ૭૭ ટકા લોકોએ ભારે હૈયે સ્વીકાર્યું છે કે, સમાજને પવિત્રતા અને મોક્ષનો માર્ગ બતાવતા હોવા છતાં તેઓ આજે પણ ભયંકર સામાજિક ભેદભાવ અને અસ્પૃશ્યતા જેવા તિરસ્કારનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત, ૯૧ ટકા કર્મચારીઓએ જણાવ્યું કે સતત ઉડતા ઝેરી ધુમાડા અને અગ્નિની જ્વાળાઓ વચ્ચે રહેવાને કારણે તેઓ અકસ્માતે દાઝી જવાની ઘટનાઓ, શ્વાસ સંબંધિત ગંભીર બીમારીઓ અને ટીબી તેમજ ભારે શારીરિક નબળાઈ જેવી સ્વાસ્થ્યલક્ષી આકરી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. આટલા મોટા આર્થિક અને શારીરિક જોખમો હોવા છતાં, આર્થિક લાચારી અને સમાજમાં અન્ય કોઈ વૈકલ્પિક રોજગારીની તકો ન હોવાને કારણે બહુમતી લોકો આ જ કામ ચાલુ રાખવા મજબૂર બન્યા છે. ૬૯ ટકા લોકોએ કહ્યું કે તેમની આવક પરિવારનું પેટ ભરવા માટે પણ પૂરતી નથી.
સંશોધનમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે મણિકર્ણિકા ઘાટ પર દરરોજ સેંકડો મૃતદેહોની લાઈનો અને આસપાસના રડતા-કૂટતા સગા-સંબંધીઓના કારણે ત્યાં સતત ઘેરી ઉદાસી અને આક્રોશનો માહોલ હોય છે. આ ભયાનક વાતાવરણ ત્યાં કામ કરનારા લોકોના માનસપટ પર ઊંડી નકારાત્મક અસર કરે છે. આ દૈનિક ભાવનાત્મક તકલીફો અને ડિપ્રેશનના આઘાતમાંથી બહાર આવવા માટે અંદાજે ૯૭ ટકા કર્મચારીઓ તમાકુ, ગુટખા અથવા દારૂના ભયંકર બંધાણી બની ચૂક્યા છે. આ સંશોધન કરનાર વ્રજ ઠક્કરે જણાવ્યું કે, દેવ દિવાળી દરમિયાન કાશીની મુલાકાતે આ ઘાટ પર ગયા બાદ તેમના હૃદયને હચમચાવી મૂકે તેવી વાતો જાણવા મળી હતી, જેને કારણે તેમણે આ ઉપેક્ષિત સમુદાયના અવાજને દુનિયા સામે લાવવાનો નિર્ણય કર્યો હતો.
મોક્ષના દૂતો માટે સરકારી સ્વાસ્થ્ય કલ્યાણ યોજનાઓ જરૂરી એમ.એસ. યુનિવર્સિટીના આ અભ્યાસ બાદ શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે મોટી ચર્ચા જાગી છે. નિષ્ણાતોના મતે કાશીના ઘાટ પર કામ કરતા આ શ્રમિકો માટે વિશેષ મેડિકલ કેમ્પ, વીમા કવચ અને તેમના બાળકોના શિક્ષણ માટે સરકારે ખાસ યોજનાઓ બનાવવી જોઈએ, જેથી સદીઓથી સામાજિક ભેદભાવ સહન કરી રહેલા આ વંચિત સમુદાયને પણ સન્માનજનક જીવન જીવવાનો હક મળી શકે.