Loading Please Wait !!!
ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસના બેનરો ફાડી નાખ્યા

 

  • ગેનીબેન ઠાકોરે ભાજપ સામે આકરા પ્રહારો કર્યા

  • રાતે બેનર ફાડીને છાતી ઠોકનારાઓને ખુલ્લો પડકાર

  • પોલીસ પ્રશાસન દ્વારા વિપક્ષી કાર્યકરોને ધમકાવવાનો આક્ષેપ

સિટી ન્યુઝ @ ગાંધીનગર

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકારણ અત્યંત ગરમાયું છે અને વિપક્ષી નેતાઓ દ્વારા સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગર મનપાના વોર્ડ નંબર 7 માં કોંગ્રેસના બેનરો રાતોરાત ફાડી નાખવાની ઘટનાઓ સામે આવી છે, તેમજ પોલીસ પ્રશાસનનો દુરુપયોગ કરીને વિપક્ષી કાર્યકરોને સતત ધમકાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કરાયા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ગાંધીનગરમાં યોજાયેલી એક જાહેર સભામાંથી ભાજપની ડરપોક ચૂંટણી નીતિ પર આકરા પ્રહારો કરતા ખુલ્લો પડકાર ફેંક્યો હતો.

સભાને સંબોધતા ગેનીબેન ઠાકોરે આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે રાતે કોઈને ખબર ન પડે તે રીતે બેનરો ફાડવાનું કામ કાયર લોકોનું છે. જો તમારી 56 ઇંચની છાતી હોય તો દિવસે કોંગ્રેસના બેનરને અડજો, નહીં તો તમારું છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશું. તેમણે સ્થાનિક પોલીસ અને એસપીની ભૂમિકા સામે પણ આંગળી ચીંધતા આક્ષેપ કર્યો હતો કે પોલીસ રિક્ષાવાળાઓ અને સામાન્ય ધંધાર્થીઓને ફોન કરીને ધમકીઓ આપે છે અને પૂછ્યું હતું કે શું આ પોલીસના બાપની પેઢી છે?

સાંસદે વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણીમાં હારના ભયથી વિપક્ષને દબાવવાના નિમ્ન કક્ષાના પ્રયાસો થઈ રહ્યા છે, જે લોકશાહી માટે અત્યંત ઘાતક છે. તમારું મુખ્ય કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, નહીં કે કોંગ્રેસના કાર્યકરો અને મતદારોને ડરાવવાનું. ફતેપુરા સહિતના વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે અને તેને બંધ કરાવવાની સાચી જવાબદારી પોલીસની છે, પરંતુ તેના બદલીએ પોલીસ વહીવટી તંત્રના દુરુપયોગમાં વ્યસ્ત છે.

આ સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા સહિતના અનેક દિગ્ગજ આગેવાનો પણ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. ગેનીબેને મર્યાદા જાળવતા જણાવ્યું હતું કે જો પ્રદેશ પ્રમુખ હાજર ન હોત તો ભાષા થોડી વધુ કડક હોત. તેમણે પડકાર ફેંકતા કહ્યું કે તમારામાં તાકાત હોય તો આ 11 તારીખે મતદાન પતવા દો અને જો ઉતાવળ હોય તો મેદાન નક્કી કરો, અમે લડવા માટે પૂરી રીતે તૈયાર છીએ, પરંતુ મહેરબાની કરીને ચૂંટણી લોકશાહી ઢબે થવા દો.

મનપાની આ ચૂંટણી નજીક આવતા જ સરકારી તંત્ર અને પોલીસ પ્રશાસનના કથિત દુરુપયોગના આક્ષેપોથી રાજકારણ ગરમાયું છે. આ ચૂંટણી હવે માત્ર બે પક્ષો વચ્ચેની રાજકીય લડાઈ રહી નથી, પરંતુ વહીવટી તંત્રની નિષ્પક્ષતા સામે પણ મોટો પ્રશ્નાર્થ ચિન્હ બની ગઈ છે. કોંગ્રેસ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવેલા યુવા ઉમેદવારોને કારણે શાસક પક્ષની ચિંતાઓમાં વધારો થયો છે, જેનાથી આગામી દિવસોમાં જંગ વધુ રસાકસીભર્યો બનશે.

રાજકીય સંઘર્ષ અને લોકશાહી મૂલ્યો

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વહીવટી તંત્રની નિષ્પક્ષતા અને સમાન તક એ સ્વસ્થ લોકશાહીના સંચાલન માટેની સૌથી પાયાની અને અનિવાર્ય શરત છે.