ચૂંટણી આચારસંહિતાનો સરેઆમ ભંગ? સાંસદ મિતેશ પટેલના ‘ગ્રાન્ટ રોકવાના’ નિવેદન સામે કોંગ્રેસ આક્રમક
-
રાજ્ય ચૂંટણી આયોગને પત્ર લખી તપાસની માંગ; અમિત ચાવડાએ ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
-
આણંદના આંકલાવમાં સાંસદ મિતેશ પટેલની જાહેરાત બાદ વિવાદ; મતદારોને પ્રલોભન અને ધમકી આપ્યાનો આરોપ
-
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રાન્ટ ફાળવણી મુદ્દે સાંસદે આપ્યું હતું નિવેદન; લોકશાહી પ્રક્રિયાને નુકસાન પહોંચાડ્યાનો દાવો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે આણંદના ભાજપના સાંસદ મિતેશ પટેલના એક વિવાદાસ્પદ નિવેદને રાજકીય વંટોળ ઉભો કર્યો છે. ૨૦ એપ્રિલના રોજ બોરસદ તાલુકાના આંકલાવ વિસ્તારમાં યોજાયેલી એક જાહેર સભામાં સાંસદે કરેલી ટિપ્પણીને કોંગ્રેસે આદર્શ આચારસંહિતાનો ભંગ ગણાવી રાજ્ય ચૂંટણી આયોગના દ્વાર ખખડાવ્યા છે.
શું હતું સાંસદનું નિવેદન? સભાને સંબોધિત કરતા સાંસદ મિતેશ પટેલે જણાવ્યું હતું કે, જો આંકલાવ વિસ્તારમાં કોંગ્રેસ એકપણ બેઠક જીતશે તો તે વિસ્તારોમાં વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવશે નહીં. તેમણે વધુમાં ઉમેર્યું કે જો જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની કોઈ પણ બેઠક કોંગ્રેસના ફાળે જશે તો તેઓ એક રૂપિયાની પણ ગ્રાન્ટ મંજૂર થવા દેશે નહીં. સાંસદના આ નિવેદન બાદ વિરોધ પક્ષે તેને મતદારોને ભયભીત કરવાનો પ્રયાસ ગણાવ્યો છે.
કોંગ્રેસની આક્રમક રજૂઆત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ચૂંટણી આયોગને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતાઓ દ્વારા જાહેર સભામાં સરકારી સહાય અને ગ્રાન્ટ બાબતે ભ્રામક અને પ્રલોભન આપતા નિવેદનો આપવામાં આવ્યા છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, આવી ભાષા ચૂંટણીની નિષ્પક્ષતા પર પ્રશ્નાર્થ ચિન્હ ઉભું કરે છે. કોંગ્રેસે આ મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની અપીલ કરી છે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી આયોગ આ રજૂઆત પર કેવા પ્રકારના પગલાં લે છે.