ગુજરાત ભાજપના ખભે મોટી જવાબદારી: પાંચ રાજ્યોના જંગમાં રાષ્ટ્રીય નેતાઓ વ્યસ્ત, સ્થાનિક નેતાઓ ગજવશે મેદાન
-
બંગાળથી કેરળ સુધી વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ; ગુજરાતના મંત્રીઓ અને ધારાસભ્યોને અપાયા ટાર્ગેટ
-
15 મહાનગરપાલિકા અને 34 જિલ્લા પંચાયતો કબજે કરવા વ્યૂહરચના; રાષ્ટ્રીય નેતાગીરીનું મિશન સાઉથ-ઈસ્ટ
- ચૂંટણીને આડે ગણતરીના દિવસો છતાં દિલ્હીથી કોઈ ન આવ્યું; ગત વખત કરતા વધુ બેઠકો જીતવાનો ભાજપનો નિર્ધાર
ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભાજપ માટે આ વખતે પરિસ્થિતિ થોડી અલગ જોવા મળી રહી છે. દેશના પાંચ મહત્વના રાજ્યો (કેરળ, આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને પુડુચેરી) માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી હોવાથી ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ સંપૂર્ણપણે ત્યાં વ્યસ્ત છે. જેના કારણે ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તમામ જવાબદારી પ્રદેશ ભાજપના ખભે નાંખી દેવામાં આવી છે.
દિલ્હીના નેતાઓ પ્રચારમાં નહીં આવે સામાન્ય રીતે ગુજરાતની કોઈ પણ ચૂંટણીમાં દિલ્હીથી રાષ્ટ્રીય નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓની ફોજ ઉતારવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે દિલ્હીથી કોઈ સ્ટાર પ્રચારક ગુજરાત આવશે નહીં. માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાનના દિવસે અમદાવાદ આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. ચૂંટણીને હવે જ્યારે માત્ર છ દિવસ બાકી રહ્યા છે, ત્યારે પ્રચારની તમામ કમાન સ્થાનિક નેતાઓ અને મંત્રીઓએ સંભાળી લીધી છે.
સેમીફાઈનલ જીતવાનો પડકાર આગામી વિધાનસભાની ‘સેમીફાઈનલ’ સમાન ગણાતી આ ચૂંટણીમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે. હાઈકમાન્ડે ગુજરાતના કોઈ પણ મંત્રી કે નેતાને પાંચ રાજ્યોમાં પ્રચાર માટે મોકલ્યા નથી, ઉલટું દરેક ધારાસભ્ય અને સાંસદને પોતાના વિસ્તારમાં વધુમાં વધુ બેઠકો જીતવાની કડક જવાબદારી સોંપી છે.
સારા પરિણામનો લક્ષ્યાંક ગત વખતની સરખામણીએ વધુ સારું પરિણામ આવે અને ભાજપનો ગઢ મજબૂત રહે તે માટે પ્રદેશ નેતાગીરી દ્વારા ઝીણવટભર્યું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય નેતાઓની ગેરહાજરીમાં સ્થાનિક નેતાઓ જનસભાઓ ગજવી રહ્યા છે અને મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે રાષ્ટ્રીય નેતાઓના સહારા વગર ગુજરાત ભાજપ આ ચૂંટણીમાં કેવો દેખાવ કરે છે.