Loading Please Wait !!!
સ્થાનિક ચૂંટણીમાં ભાજપની 'સર્જિકલ સ્ટ્રાઈક': રાજકોટ બાદ અમદાવાદમાં પણ ઉમેદવાર બદલાયા, છેલ્લી ઘડીએ ટિકિટ કપાતા ખળભળાટ!

  • રાજકોટ વોર્ડ-7 માં શૈલેષ જાની આઉટ, નેહલ શુકલા ઇન – અમદાવાદના પાલડી અને જમાલપુરમાં પણ નવા ચહેરા
  • રાજકોટ વોર્ડ-11 માં પણ ફેરફારની શક્યતા – કોંગ્રેસે ગોમતીપુર, વિરાટનગર અને બાપુનગરની યાદી જાહેર કરી
  • વોર્ડ-7 માં બ્રહ્મ સમાજના નેહલ શુકલા પર પસંદગીનો કળશ – અમદાવાદમાં ભાજપે છેલ્લી ઘડીએ વ્યૂહરચના બદલી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના આજના અંતિમ દિવસે (11 એપ્રિલ) ગુજરાતના રાજકારણમાં જબરદસ્ત હલચલ જોવા મળી રહી છે. રાજકોટમાં ભાજપના 'વિજય વિશ્વાસ સંમેલન' બાદ તરત જ એક મોટો ઉલટફેર થયો છે. જે ઉમેદવાર સ્ટેજ પર બેઠા હતા, તેમની જ ટિકિટ કપાઈ ગઈ છે. રાજકોટ વોર્ડ નંબર 7 માં શૈલેષ જાનીના બદલે હવે પૂર્વ કોર્પોરેટર નેહલ શુકલાને મેદાનમાં ઉતારાયા છે. આ ઉપરાંત વોર્ડ નંબર 11 માં પણ રક્ષિત કલોલાના સ્થાને નવા ચહેરાની શક્યતા સેવાઈ રહી છે.

અમદાવાદમાં પણ ભાજપે પોતાની રણનીતિમાં છેલ્લી ઘડીએ ફેરફાર કર્યા છે. પાલડી વોર્ડમાં જૈનિક વકીલ અને જમાલપુરમાં પ્રિયંકા કહારને ટિકિટ આપવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ ચરમસીમાએ છે. ધારાસભ્યોના લોબિંગ અને વિરોધને કારણે દરિયાપુર, જમાલપુર અને દાણીલીમડા સહિતના 12 વોર્ડના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. આ બેઠકો પર સીધા મેન્ડેટ ફાળવવાની રણનીતિ અપનાવાઈ છે.

કોંગ્રેસમાં બળવો અને નવા નામ: કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમે પોલીસ જાપ્તા સાથે ફોર્મ ભરીને પોતાની જ પાર્ટીના ધારાસભ્યો સામે બાયો ચઢાવી છે. તેમણે ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે ધારાસભ્યોએ તેમની ટિકિટ કાપવા કાવતરું રચ્યું છે. જોકે, કોંગ્રેસે આજે અંતિમ ક્ષણોમાં ગોમતીપુરથી ઝુલ્ફીકાર પઠાણ, વિરાટનગરથી રણજીતસિંહ બારડ અને બાપુનગરથી નાગજી દેસાઈ સહિતના નામોની જાહેરાત કરીને ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કર્યો છે.

ચૂંટણી અધિકારીઓની કચેરીઓ બહાર આજે સવારથી જ ઢોલ-નગારા અને સમર્થકોની ભીડ જામી છે. રાજકોટના રાજકારણમાં વોર્ડ-7 માં થયેલા અચાનક ફેરફારે કાર્યકરોને ચોંકાવી દીધા છે. ભાજપની આ 'વેઈટ એન્ડ વોચ' ની રણનીતિ વિરોધ પક્ષો માટે કેટલો પડકાર સર્જશે તે તો આવનાર સમય જ કહેશે, પણ અત્યારે તો ઉમેદવારો અને પક્ષો વચ્ચે મેન્ડેટ મેળવવાની છેલ્લી મિનિટ સુધીની જંગ જારી છે.