Loading Please Wait !!!
"કોડીનારના આલીદારમાં મધરાતે વનરાજોનું 'ફેમિલી આઉટિંગ': બે સિંહણ અને ત્રણ સિંહબાળના લાઈવ દ્રશ્યો CCTVમાં કેદ"

  • ભેટાળી કનકાઈ મંદિર પાસે સિંહ પરિવારની નિરાંતે લટાર - 'રામ-લખન' બાદ હવે નવા પરિવારે જમાવ્યો આલીદારમાં ડેરો
  • રહેણાંક વિસ્તારોમાં વનરાજોના વારંવારના આંટાફેરાથી ફફડાટ - વન વિભાગ પાસે નાઈટ પેટ્રોલિંગની ઉગ્ર માંગ
  • શિકારની શોધમાં સિંહણ અને બચ્ચાઓ ગામની મધ્યમાં ધસી આવ્યા - આલીદાર હવે સિંહોનું હરતું-ફરતું નિવાસસ્થાન

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને ગીરગઢડા પંથકમાં વનરાજોનો વસવાટ હવે જંગલ પૂરતો મર્યાદિત રહ્યો નથી. કોડીનારનું આલીદાર ગામ ફરી એકવાર સિંહ પરિવારની હાજરીને કારણે ચર્ચામાં આવ્યું છે. ગત રાત્રિના આશરે બે વાગ્યાના સુમારે શિકારની શોધમાં નીકળેલો પાંચ સભ્યોનો સિંહ પરિવાર ગામની મધ્યમાં લટાર મારતો જોવા મળ્યો હતો, જેના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.

આલીદારમાં 'રામ-લખન' બાદ નવો પરિવાર

ગામમાં આવેલા ભેટાળી કનકાઈ મંદિર પાસેના માર્ગ પરથી બે સિંહણ અને ત્રણ નાના સિંહબાળો નિરાંતે પસાર થઈ રહ્યા હતા. આલીદાર ગામ અગાઉ 'રામ-લખન' નામની પ્રખ્યાત સિંહની જોડી માટે જાણીતું હતું. હવે સિંહ પરિવારોએ આ વિસ્તારને પોતાનું હરતું-ફરતું ઘર બનાવી લીધું હોય તેમ જણાય છે.

ગીરગઢડામાં સિંહણની 'સર્જિકલ સ્ટ્રાઈક'

માત્ર કોડીનાર જ નહીં, પણ ગીરગઢડામાં પણ સિંહોનો આતંક જોવા મળ્યો છે. ન્યાય મંદિર પાછળના વિસ્તારમાં એક સિંહણે અદભૂત ચપળતા બતાવી વાડીના ગેટ પાસેથી વાછરડાનું મારણ કર્યું હતું. સિંહણની આ 'હાઈજમ્પ' સ્ટ્રાઈક જોઈ સિંહપ્રેમીઓ પણ દંગ રહી ગયા હતા. આ સિવાય, 23 માર્ચે ઉમેદપરા ગામમાં પણ 7 સિંહોની શાહી સવારી રોડ પર જોવા મળી હતી.

ગ્રામજનોમાં ફફડાટ, પેટ્રોલિંગની માંગ

રહેણાંક વિસ્તારની એકદમ નજીક અને મુખ્ય માર્ગો પર સિંહોના વારંવારના આંટાફેરાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. રાત્રિના સમયે ખેતરોમાં પિયત કરવા જતાં ખેડૂતો માટે જોખમ વધ્યું છે. આથી, ગ્રામજનોએ વન વિભાગ પાસે તાત્કાલિક અસરથી નાઈટ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.