Loading Please Wait !!!
પરાબજારમાં સાકરટેટી બદલાવવા મુદે વેપારી-શેઠ પર હિચકારો હુમલો

  • બપોરે પોલીસે સમાધન કરાવ્યું,સાંજે કારમાં આવેલા ત્રણેય શખ્સોએ હથિયારો સાથે આતંક મચાવ્યો

    સિટી ન્યૂઝ@રાજકોટ : સિંધી કોલોનીમાં રહેતા અને પરાબજારમાં ફ્રુટની લારી ચલાવતા જયપ્રકાશ ચુનીલાલ નારવાણી (ઉ.વ. ૩૨) પાસેથી બુધવારે સાંજે ત્રણ અજાણ્યા શખ્સો ૧૦૦ રૂપિયાની ૩ કિલો સાકરટેટી લઈ ગયા હતા. ગુરુવારે સાંજે આ શખ્સો કાપેલી ટેટી સાથે આવ્યા હતા અને ટેટી ખરાબ હોવાનું કહી બદલાવવા જીદ કરી હતી.જયપ્રકાશે ૨૪ કલાક બાદ ટેટી ન બદલાય તેમ કહેતા બોલાચાલી થઈ હતી. તે સમયે પોલીસની ગાડી ત્યાંથી નીકળતા હુમલાખોરો ભાગી ગયા હતા, પરંતુ રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ તેઓ કાર લઈને ફરી આવ્યા હતા અને જયપ્રકાશ પર ધોકાથી તૂટી પડ્યા હતા.હુમલો થતા દેકારો મચી ગયો હતો. આ સમયે નજીકમાં જ રહેલા જયપ્રકાશના શેઠ સોયેબભાઇ અહેમદભાઇ મોટાણી (ઉ.વ. ૩૨) વચ્ચે પડ્યા હતા અને જયપ્રકાશને બચાવવા પ્રયાસ કર્યો હતો. જોકે, ઉશ્કેરાયેલા હુમલાખોરોએ સોયેબભાઈને પણ ધોકા વડે બેફામ માર માર્યો હતો. બંને લોહીલુહાણ થતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, જેને પગલે હુમલાખોરો કારમાં બેસી નાસી છૂટ્યા હતા.ઈજાગ્રસ્ત જયપ્રકાશ અને સોયેબભાઈને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ ચોકી દ્વારા આ મામલે એ-ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.