Loading Please Wait !!!
ખેડૂત આંદોલનમાં કીર્તિ પટેલની એન્ટ્રી: મંત્રીને આપ્યું 15 દિવસનું અલ્ટીમેટમ

  • ન્યાય મળે તો પગ ધોઈને પાણી પીઈશ, નહીં તો થશે મોટું આંદોલન
  • ખેડૂતોના પ્રશ્ને આક્રમક અંદાજમાં ઉતરી કીર્તિ પટેલ, કહ્યું- રાજકારણ બંધ કરો
  •  15 દિવસમાં ન્યાય નહીં મળે તો યુવાનો સાથે ફરી થશે રજૂઆત

સિટી ન્યુઝ @ ભાવનગર

રાજ્યભરમાં ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજલાઈન અને વળતરના પ્રશ્નોએ જોર પકડ્યું છે. આ મુદ્દે ચાલી રહેલી આક્ષેપબાજી વચ્ચે હવે સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની એન્ટ્રી થઈ છે. કીર્તિ પટેલ આજે ભાવનગર ખાતે કૃષિમંત્રી જીતુ વાઘાણીના કાર્યાલય પર પહોંચ્યા હતા અને ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે સરકારને ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ખેડૂતોના નામે રાજકારણ કરવાનું બંધ થવું જોઈએ.

પત્રકારો સાથેની વાતચીતમાં કીર્તિ પટેલે જણાવ્યું કે, તેમને સોશિયલ મીડિયા પર અનેક ખેડૂતોના મેસેજ મળ્યા હતા, જે બાદ તેમણે આ લડાઈ લડવાનો નિર્ણય લીધો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ખેડૂતો અત્યાર સુધી માત્ર રાજકીય રોટલા શેકવાનો શિકાર બન્યા છે. હવે ગુજરાતના યુવાનો જાગૃત થયા છે અને ખેડૂતોને તેમનો હક ન મળે ત્યાં સુધી આ લડત અટકશે નહીં. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કૃષિમંત્રી પોતે ખેડૂત પુત્ર હોવાથી ખેડૂતોની વેદનાને સમજીને યોગ્ય ન્યાય અપાવશે.

કીર્તિ પટેલે એક અત્યંત આક્રમક અને ચર્ચાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, જો ૧૫ દિવસની અંદર ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં આવશે અને તેમને યોગ્ય ન્યાય મળશે, તો તેઓ મંત્રીના પગ ધોઈને પાણી પીશે. જોકે, તેમણે સાથે જ ચેતવણી પણ આપી હતી કે, જો ૧૫ દિવસમાં કોઈ સકારાત્મક નિર્ણય નહીં લેવાય, તો તેઓ ગુજરાતના અન્ય સોશિયલ મીડિયા સ્ટાર્સ અને હજારો યુવાનોને સાથે લઈને ફરી રજૂઆત કરશે. હાલ આ નિવેદનને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

ખેડૂત હિત માટે આરપારની લડાઈ

ખેડૂતોની સમસ્યાઓને લઈને ભાવનગરમાં સર્જાયેલું આ વાતાવરણ આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલનનું સ્વરૂપ લઈ શકે છે. કીર્તિ પટેલની આ એન્ટ્રીએ ખેડૂતોના મુદ્દાને ફરી એકવાર મુખ્ય ધારામાં લાવી દીધો છે. મંત્રીને આપવામાં આવેલું ૧૫ દિવસનું અલ્ટીમેટમ અને ત્યારબાદની રણનીતિ પર હવે સૌની નજર ટકેલી છે. શું સરકાર આ સમયગાળામાં ખેડૂતોને સંતોષકારક જવાબ આપી શકશે? તે જોવું રહ્યું.