જૂનાગઢ યાર્ડમાં કેસરના 'શ્રીગણેશ': સ્વાદરસિકોના ખિસ્સા હળવા થશે, 10 કિલો કેરીના ભાવ ₹1700ને પાર!
- કમોસમી વરસાદ અને રોગચાળાની બેવડી માર - આ વર્ષે ગીરની કેસર મોંઘી અને મોડી મળશે
- કુદરતની કારમી થપાટથી ઇજારેદારો રાતા પાણીએ રોયા - જૂનાગઢ યાર્ડમાં હરાજીના ભાવ આસમાને
- 22 માર્ચથી શરૂ થયેલી આવકમાં અત્યાર સુધી માત્ર 3200 બોક્સ - ઇજારેદારોએ સરકાર પાસે માંગી મદદ
સૌરાષ્ટ્રના સ્વાદરસિકો જેની આતુરતાથી રાહ જોતા હોય છે તે ગીરની કેસર કેરીનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વિધિવત આગમન થઈ ગયું છે. જોકે, આ વર્ષે કેરીનો સ્વાદ લેવો સામાન્ય માણસ માટે થોડો કડવો સાબિત થઈ શકે છે. કુદરતના કોપ અને વારંવારના વાતાવરણના પલટાને કારણે કેસર કેરીનું ઉત્પાદન તળિયે બેસી ગયું છે, જેના સીધા પરિણામ સ્વરૂપે બજારમાં ભાવ આસમાને પહોંચ્યા છે.
ઇજારેદારોની હાલત કફોડી છેલ્લા 25 વર્ષથી આ વ્યવસાય સાથે જોડાયેલા ઇજારેદારોના જણાવ્યા મુજબ, આ વર્ષ જેવી સ્થિતિ ક્યારેય જોઈ નથી. એક તરફ ખેડૂતોને એડવાન્સ રકમ ચૂકવવાની હોય છે અને બીજી તરફ આંબા પર રોગચાળો અને માવઠાને કારણે કેરીઓ ખરી પડી છે. જગદીશભાઈ ગોંડલીયા અને વેડશીભાઈ જેવા અનુભવી ઇજારેદારો કહે છે કે, "જ્યાં 500 બોક્સની આશા હતી ત્યાં માંડ 200 બોક્સ ઉતરી રહ્યા છે." આ સંજોગોમાં ખર્ચ પણ નીકળવો મુશ્કેલ છે.
બજારનું ગણિત અને ભાવની સ્થિતિ યાર્ડના આંકડા મુજબ, 22 માર્ચથી અત્યાર સુધીમાં માત્ર 3,200 બોક્સ આવ્યા છે, જે સીઝનની સરખામણીએ ખૂબ ઓછા છે. હાલમાં 10 કિલોના ભાવ ₹1,700 સુધી બોલાય રહ્યા છે. વેપારી અદ્રેમાન પંજાના મતે, ભાવનો આધાર આવક પર રહેશે, પણ હાલ જે રીતે ઉત્પાદન ઘટ્યું છે તે જોતા ભાવમાં મોટો ઘટાડો થવાની શક્યતા નહિવત છે. રાજકોટના યાર્ડમાં પણ ટૂંક સમયમાં કેસરની આવક શરૂ થશે, પણ ભાવની આ ગરમી ગૃહિણીઓના બજેટને ખોરવી શકે છે.