Loading Please Wait !!!
કાલુપુર રેલવે સ્ટેશન પર ACBનો સપાટો: માત્ર 100 રૂપિયાની લાંચ લેતા ક્લાર્ક ઝડપાયો

 

  • કાલુપુર રેલવે સ્ટેશન પર ટિકિટ વિન્ડો પર ફરજ બજાવતા શિવપ્રસાદ યાદવની ACB દ્વારા ધરપકડ.

  • મુસાફર પાસેથી ટિકિટ આપવાના બદલામાં કાયદેસરના ભાડા સિવાય વધારાના 100 રૂપિયાની લાંચ માંગી હતી.

  • અન્ય રાજ્યમાં જતા મુસાફરો પાસેથી 10થી 500 રૂપિયા વધારાના વસૂલાતા હોવાની ફરિયાદ મળી હતી.

અમદાવાદના હાર્દ સમાન કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરો સાથે થતી ગેરરીતિનો પર્દાફાશ થયો છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ટિકિટ બારી પર ફરજ બજાવતા ક્લાર્ક શિવપ્રસાદ યાદવને માત્ર 100 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીને પગલે રેલવે તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પકડાયેલો કર્મચારી મુસાફરો પાસેથી ટિકિટ આપવાના બદલામાં વધારાના પૈસાની ઉઘાડી લૂંટ ચલાવતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, કાલુપુર રેલવે સ્ટેશનથી અન્ય રાજ્યોમાં મુસાફરી કરતા પરપ્રાંતિય મુસાફરોને ટિકિટ ક્લાર્ક દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવતા હતા. ટિકિટ ઇસ્યૂ કરવા માટે કાયદેસરના ભાડા ઉપરાંત 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની ગેરકાયદેસર માંગણી કરવામાં આવતી હતી. આ બાબતે જાગૃત મુસાફરો દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવતા વિભાગ દ્વારા આયોજનબદ્ધ રીતે છટકું ગોઠવવામાં આવ્યું હતું.

એસીબીની ટીમે કાલુપુર રેલવે સ્ટેશનની ટિકિટ વિન્ડો ખાતે એક ડમી મુસાફર મોકલી શિવપ્રસાદ યાદવ પાસેથી ટિકિટની માંગણી કરી હતી. ક્લાર્કે ટિકિટના નિયત દર સિવાય વધારાના 100 રૂપિયાની માંગણી કરી અને તે સ્વીકાર્યા કે તુરંત જ એસીબીના અધિકારીઓએ તેને દબોચી લીધો હતો. ભ્રષ્ટ ક્લાર્કની આ કરતૂત આખા સ્ટેશન પરિસરમાં ચર્ચાનો વિષય બની હતી, કારણ કે તે લાંબા સમયથી મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યો હતો.

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, શિવપ્રસાદ યાદવ ખાસ કરીને એવા મુસાફરોને નિશાન બનાવતો હતો જેઓ અભણ અથવા અન્ય રાજ્યના હોય અને ભીડનો લાભ લઈને ટિકિટ જલ્દી મેળવવા માંગતા હોય. એસીબીના સપાટા બાદ રેલવે સ્ટેશન પર ટિકિટના નામે થતી કટકીબાજી સામે લાલ આંખ કરવામાં આવી છે. એસીબીએ આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના બાદ એસીબીના અધિકારીઓએ જનતાને અપીલ કરી છે કે રેલવે કે અન્ય સરકારી કચેરીઓમાં કોઈ પણ કામ માટે જો કોઈ કર્મચારી લાંચની માંગણી કરે, તો તુરંત જ ટોલ ફ્રી નંબર પર જાણ કરવી. કાલુપુર જેવી વ્યસ્ત જગ્યાએ કર્મચારી દ્વારા કરવામાં આવતા આ પ્રકારના વાણીવિલાસ અને ભ્રષ્ટાચાર સામે થયેલી આ કાર્યવાહીથી સામાન્ય મુસાફરોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. આરોપી ક્લાર્કના રિમાન્ડ મેળવી તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તેની પણ પૂછપરછ કરવામાં આવશે.