Loading Please Wait !!!
"જૂનાગઢમાં પાણી માટે પોકાર: અંબિકા નગરમાં 100 દિવસથી નળ સૂકાભઠ્ઠ, મહિલાઓ પડોશીઓ પાસે માંગે છે 'પાણીની ભીખ'"

  • વોર્ડ-6 માં નર્મદાના નીર અદૃશ્ય - અધિકારીઓ AC ઓફિસમાં આંકડાની માયાજાળ રચે છે, જનતા ટીપે-ટીપે તરસતી
  • "ભિખારીની જેમ બીજાના ઘરે પાણી માંગવા જવું પડે છે" - અસ્મિતાબેન અને પુષ્પાબેનની દર્દનાક આપવીતી
  • 61 વર્ષના વૃદ્ધા ગીતાબેનનો આક્રોશ: "રૂપિયા 300 ના ટાંકા ક્યાં સુધી મંગાવવા?" - લાઈન રિપેર કરવામાં તંત્ર ફેઈલ

જૂનાગઢ મહાનગરપાલિકાના 'સ્માર્ટ સિટી'ના દાવાઓની પોલ વોર્ડ નંબર-6 ના અંબિકા નગરમાં ખુલી ગઈ છે. અહીં છેલ્લા સાડા ત્રણ મહિનાથી નર્મદાનું પાણી આવતું બંધ થઈ જતા રહીશોની હાલત કફોડી બની છે. સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ એટલી હદ સુધી વણસી છે કે તેમને પડોશીઓ કે અન્ય વિસ્તારોમાં જઈને 'બાપા થોડું પાણી આપો ને' કહીને ભિખારીની જેમ પાણી માંગવું પડી રહ્યું છે. ઉનાળાની શરૂઆતે જ તંત્રની અણઆવડતનો ભોગ સામાન્ય જનતા બની રહી છે.

તંત્રના બહેરા કાને રજૂઆતો અથડાઈ રહી છે સ્થાનિક મહિલા અસ્મિતાબેન શર્મા અને પુષ્પાબેન પ્રિયાણીએ આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, "અમે સિંધીની વાડી અને ડોક્ટર ભીમાણી વાળી ગલીમાં વસીએ છીએ, પણ 100 દિવસથી પાણીના દર્શન થયા નથી. જ્યારે પણ પાલિકામાં જઈએ ત્યારે અધિકારીઓ માત્ર 'રિપેર થઈ જશે' નું રટણ કરે છે, પણ જમીન પર કોઈ કામ થતું નથી." ગંભીર વાત એ છે કે, વિસ્તારમાં ગટરના કામ માટે આડેધડ ખાડા ખોદી દેવાયા છે, જેના કારણે ખાનગી ટેન્કર વાળા પણ અંદર આવવાની ના પાડી રહ્યા છે.

61 વર્ષના વૃદ્ધાની પીડા: કોણ રાખશે ધ્યાન? 61 વર્ષીય ગીતાબેન ગુરબાણીની વેદના હૃદયદ્રાવક છે. તેઓ કહે છે, "ઘરમાં સાત સભ્યો છે, રોજનો એક ટાંકો જોઈએ જેના 300 રૂપિયા ચૂકવવા પડે છે. રસ્તામાં ગારો અને કીચડ છે, જો આ ઉંમરે પાણી ભરવા જતાં પડી જઈએ તો અમારું ધ્યાન કોણ રાખશે?" મધ્યમ વર્ગના પરિવારો માટે દર મહિને હજારો રૂપિયા માત્ર પાણી પાછળ ખર્ચવા મુશ્કેલ બની રહ્યા છે. બીજી તરફ, જો ક્યારેક પાણી આવે તો તે અત્યંત દૂષિત અને ગંદી વાસવાળું હોય છે.

અધિકારીઓની આંકડાકીય માયાજાળ એક તરફ જનતા તરસથી વ્યાકુળ છે, ત્યારે બીજી તરફ મનપાના વોટર વર્કસ શાખાના અધિકારી અલ્પેશ ચાવડા એસી ઓફિસમાં બેસીને બધું 'ઓલ ઈઝ વેલ' બતાવી રહ્યા છે. તેમણે પૂરતા જથ્થાના આંકડા આપતા કહ્યું કે હસનાપુર ડેમમાં 29 ફૂટ અને વિલિંગ્ડનમાં 5 ફૂટ પાણી છે, એટલે ઉનાળામાં કોઈ કાપની જરૂર નથી. જોકે, અધિકારીની આ વાત અંબિકા નગરના રહીશો માટે ક્રૂર મજાક સમાન છે, કારણ કે ડેમમાં પાણી હોવા છતાં પાઈપલાઈન તૂટેલી હોવાથી તેમના નળ સુધી પાણી પહોંચતું નથી.

શું પાલિકા જાગશે? જૂનાગઢ મનપાના શાસકો અને અધિકારીઓની આ ઉદાસીનતા જનતા માટે આફત બની છે. પાઈપલાઈનો રિપેર કરવાના નામે માત્ર કાગળ પર ઘોડા દોડાવાય છે. સાડા ત્રણ મહિનાનો સમય વીત્યા છતાં એક સાધારણ લાઈન રિપેર ન કરી શકવું એ પાલિકાની વહીવટી નિષ્ફળતાનો પુરાવો છે. હવે જોવાનું એ રહેશે કે આ સમાચાર બાદ કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું તંત્ર જાગે છે કે અંબિકા નગરની મહિલાઓએ હજુ વધુ દિવસો પાણીની ભીખ માંગવી પડશે.