જૂનાગઢના કડિયાવડમાં 'ડેથ વોરંટ' જેવી બિલ્ડિંગો: વેપારીઓએ કલેક્ટરને ઘેર્યા, જાનહાનિ થશે તો નેતાઓ જવાબદાર!
- બિસ્માર રસ્તાને કારણે એમ્બ્યુલન્સ પણ ન આવી શકી – કમિશનર અને કોર્પોરેટરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની તૈયારી
- આવેદનપત્રમાં સ્પષ્ટ અલ્ટીમેટમ: "નોટિસ ફટકારી સંતોષ ન માનો, ભયજનક બાંધકામો યુદ્ધના ધોરણે દૂર કરો."
- એસોસિએશન પ્રમુખ સની સોંદરવાની આગેવાનીમાં હલ્લાબોલ – પાયાની સુવિધાઓ માટે નેતાઓની નિષ્ક્રિયતા પર પ્રહાર.
ઐતિહાસિક નગરી જૂનાગઢના હાર્દ સમાન કડિયાવડ વિસ્તાર અત્યારે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી જર્જરિત ઇમારતો અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતાને કારણે અહીંના રહીશો અને વેપારીઓમાં ભારે ફાળ જોવા મળી રહી છે. 4 April, 2026 ના રોજ કડિયાવડમાં બનેલી એક દુર્ઘટનાએ જૂના જખમો તાજા કર્યા છે, જેમાં એક જર્જરિત ઇમારતનું પોપડું ચોથા માળેથી પડતા પસાર થઈ રહેલી નિર્દોષ મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. રસ્તા પર ભરાયેલા લોહીના ખાબોચિયાએ તંત્રની પોકળ કામગીરીના ધજાગરા ઉડાડ્યા છે.
આ ઘટનાના વિરોધમાં કડિયાવડ વેપારી એસોસિએશનના પ્રમુખ સની સોંદરવાની આગેવાનીમાં મોટી સંખ્યામાં વેપારીઓએ જિલ્લા કલેક્ટરને ઉગ્ર આવેદનપત્ર પાઠવ્યું હતું. વેપારીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, જો ભવિષ્યમાં આ વિસ્તારમાં જર્જરિત બાંધકામ કે બિસ્માર રસ્તાને કારણે કોઈ જાનહાનિ થશે, તો તેની નૈતિક અને કાયદેસરની જવાબદારી વોર્ડ નંબર 9 અને 10 ના કોર્પોરેટરો તેમજ મ્યુનિસિપલ કમિશનરની રહેશે. વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે વોટ માંગવા સમયે નેતાઓ ગલીએ-ગલીએ ફરે છે, પરંતુ પ્રજાના જીવ જોખમમાં હોય ત્યારે અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર નીકળતા નથી.
કડિયાવડ વિસ્તારની હાલત અત્યારે 'ટીકિંગ ટાઈમ બોમ્બ' જેવી બની ગઈ છે. વર્ષ 2022 માં આ જ વિસ્તારમાં મકાન ધરાશાયી થવાને કારણે 4 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, છતાં મહાનગરપાલિકાના સત્તાધીશોની ઊંઘ ઉડી નથી. તાજેતરની ઘટનામાં વધુ એક ચોંકાવનારી વિગત એ સામે આવી કે રસ્તાઓ એટલા સાંકડા અને ખાડાવાળા છે કે ઇજાગ્રસ્ત મહિલા માટે બોલાવવામાં આવેલી 108 એમ્બ્યુલન્સ પણ સમયસર ઘટનાસ્થળ સુધી પહોંચી શકી ન હતી. અંતે સ્થાનિકોએ જીવના જોખમે ખાનગી વાહન દ્વારા મહિલાને હોસ્પિટલ ભેગી કરવી પડી હતી.
વેપારી એસોસિએશનના પ્રમુખે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર માત્ર કાગળ પર નોટિસ આપીને સંતોષ માની લે છે, પરંતુ વાસ્તવમાં ભયજનક ઇમારતો ઉતારવા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. તેમણે જૂનાગઢના રાજકારણ પર કટાક્ષ કરતા કહ્યું કે દુર્ઘટના સમયે ફોટા પડાવવા આવનારા અનેક છે, પરંતુ વાસ્તવિક લડત આપનારા જૂજ છે. જોકે, તેમણે ધારાસભ્ય સંજય કોરડિયાની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ભૂતકાળમાં વેપારીઓના હક માટેના ઉપવાસ સમયે માત્ર તેઓ જ પડખે ઉભા રહ્યા હતા, જે સાચા અર્થમાં લોકનેતા છે.
આવેદનપત્રમાં વોર્ડ-10 ના કોર્પોરેટરો મનન અભાણી, પરાગ રાઠોડ અને મહિલા કોર્પોરેટરોની જવાબદારી નક્કી કરવાની માંગ કરાઈ છે. કડિયાવડ જેવા વ્યસ્ત વેપારી મથકમાં જો ચોમાસા પૂર્વે જર્જરિત ઇમારતો અને ગટરની વ્યવસ્થા નહીં સુધારાય, તો મોટી હોનારત સર્જાઈ શકે છે. વેપારીઓએ અંતમાં ચેતવણી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં કોઈ અકસ્માત થશે, તો આ આવેદનપત્રને જ પુરાવા તરીકે ગણીને જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે કલેક્ટરના આદેશ બાદ મનપા તંત્ર હરકતમાં આવે છે કે કેમ.