વિસાવદરના પીરવડમાં SOGનું ઓપરેશન: 'મામા દેવ'ના મંદિર પાસે લોડેડ પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયો!
- પેન્ટના નેફામાં છુપાવ્યું હતું મોતનું હથિયાર – સુરેન્દ્રનગરના શખ્સનું નામ ખુલતા પોલીસ તપાસ તેજ
- પિસ્તોલ અને બે જીવતા કાર્તૂસ જપ્ત – વિસાવદર પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા
- સુરેશ હુદડ પાસેથી મળી આવી 20 હજારની પિસ્તોલ – હથિયાર આપનાર સુરેન્દ્રનગરનો કિશન ગઢવી વોન્ટેડ
જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદે હથિયારોના વેચાણ અને ગુનાખોરી પર લગામ કસવા માટે પોલીસ વડાની સૂચનાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એક્શન મોડમાં આવ્યું છે. વિસાવદર તાલુકાના પીરવડ ગામ પાસે એસઓજીની ટીમે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને એક શખ્સને લોડેડ પિસ્તોલ અને બે જીવતા કાર્તૂસ સાથે ઝડપી પાડ્યો છે. ધોળા દિવસે હથિયાર સાથે શંકાસ્પદ હાલતમાં ફરતા શખ્સની ધરપકડથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પીઆઈ કે.એમ. પટેલની ટીમને બાતમી મળી હતી કે, પીરવડ ગામનો સુરેશ માણસુરભાઈ હુદડ હથિયાર સાથે ગામથી શોભાવડલા લશ્કર રોડ પર આવેલા મામા દેવના મંદિર પાસે કોઈની રાહ જોઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સિવિલ ડ્રેસમાં વ્યૂહાત્મક રીતે જાળ ગોઠવી હતી. પોલીસની ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે સુરેશ ત્યાં આંટાફેરા મારી રહ્યો હતો. પોલીસને જોતા જ તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તકેદારી રાખીને ઉભેલા જવાનોએ તેને દબોચી લીધો હતો.
જ્યારે પોલીસે આરોપી સુરેશની અંગઝડતી લીધી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. તેણે પોતાના પેન્ટના નેફામાં એક ઘાતક પિસ્તોલ છુપાવીને રાખી હતી. પોલીસે તેની પાસેથી ₹20,000ની કિંમતની પિસ્તોલ અને બે જીવતા કાર્તૂસ કબજે કર્યા છે. પોલીસની આકરી પૂછપરછમાં સુરેશે કબૂલાત કરી હતી કે, આ હથિયાર તેને સુરેન્દ્રનગરના કિશન ગઢવી નામના શખ્સે આપ્યું હતું. આ ખુલાસાને આધારે પોલીસે કિશન ગઢવીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.
વિસાવદર પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ હથિયાર કોઈ મોટી લૂંટ કે હત્યા જેવી વારદાતને અંજામ આપવા માટે લાવવામાં આવ્યું હતું કે માત્ર રોફ જમાવવા માટે? પકડાયેલા આરોપી વિરુદ્ધ વિસાવદર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જૂનાગઢ એસઓજીની આ કામગીરીમાં એ.એસ.આઈ. વિક્રમભાઈ ચાવડા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ હથિયારબંધીના કાયદાનો કડક અમલ કરવા માટે પોલીસ સક્રિય બની છે. વિસાવદરની આ ઘટનાએ સાબિત કર્યું છે કે પોલીસની બાજ નજરથી ગુનેગારો બચી શકશે નહીં. આગામી સમયમાં સુરેન્દ્રનગર કનેક્શન ખુલતા આ હથિયારના સોદાગરોની મોટી ગેંગ પકડાય તેવી પૂરેપૂરી શક્યતા છે.