"જૂનાગઢનો ઝાંઝરડા રોડ બન્યો 'મિની અયોધ્યા': રામ જન્મોત્સવ પૂર્વે ભવ્ય રોશની અને ભક્તિનો મહાસંગમ"
- ભોજલરામ ગ્રુપ અને સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા લાઈવ ઓરકેસ્ટ્રા - ગરવા ગિરનારની ગોદમાં ગુંજ્યો 'જય શ્રી રામ'નો નાદ
- દિવ્યેશ જેઠવા અને હરિઓમ પંચોલીની સુરાવલીમાં ભક્તો તરબોળ - બે દિવસીય સાંસ્કૃતિક મહોત્સવનો પ્રારંભ
- સિધ્ધેશ્વર મંદિર પાસે ઉમટી જનમેદની - સનાતન હિન્દુ એકતા સમિતિ દ્વારા ભવ્ય આયોજન
ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ શહેરમાં આગામી શ્રીરામ જન્મોત્સવને લઈને અત્યારથી જ દિવાળી જેવો ઝળહળતો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરનો મુખ્ય ગણાતો ઝાંઝરડા રોડ વિસ્તાર જાણે મિની અયોધ્યા નગરીમાં પરિવર્તિત થયો હોય તેમ સમગ્ર માર્ગને ધજા-પતાકા, ભગવા રંગના આકર્ષક ગેઈટ અને ઝળહળતી લાઈટોથી કલાત્મક રીતે શણગારવામાં આવ્યો છે. ભક્તોમાં આ પવિત્ર પર્વને લઈને ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભોજલરામ ગ્રુપ જૂનાગઢ અને સેવા સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બે દિવસીય સાંસ્કૃતિક મહોત્સવના પ્રથમ દિવસે ભવ્ય લાઈવ ઓરકેસ્ટ્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સિધ્ધેશ્વર મંદિર પાસે મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓએ ભક્તિમય સંગીતનો લ્હાવો લીધો હતો. સમગ્ર વાતાવરણ 'જય શ્રી રામ'ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. લોકસાહિત્યકાર દિવ્યેશ જેઠવા અને હરિઓમ પંચોલીના બેન્ડ દ્વારા રજૂ કરવામાં આવેલી રામ ભક્તિની કૃતિઓએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ અવસરે લોકસાહિત્યકાર દિવ્યેશ જેઠવાએ જણાવ્યું હતું કે, "જ્યારે સમગ્ર દેશમાં અને અયોધ્યામાં ભગવાન રામનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો હોય, ત્યારે ગરવા ગિરનારની ભૂમિ જૂનાગઢ પાછળ કેમ રહે? આ રોશની અને આયોજન આપણા ઇષ્ટદેવ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે." 25 અને 26 માર્ચ એમ બે દિવસીય આ મહોત્સવમાં નામી-અનામી કલાકારો દ્વારા લાઈવ પરફોર્મન્સની સાથે સામાજિક કાર્યકરોનું સન્માન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની હારમાળા સર્જાઈ છે.
ઉજવણીના ભાગરૂપે સનાતન હિન્દુ એકતા સમિતિ દ્વારા રામ નવમીના દિવસે એટલે કે ગુરુવારે એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું છે. આ શોભાયાત્રા ઝાંઝરડા રોડ સ્થિત રામ મંદિરથી પ્રસ્થાન કરી સિદ્ધનાથ મંદિરે પૂર્ણાહુતિ પામશે. શોભાયાત્રામાં વિવિધ ધાર્મિક ફ્લોટ્સ, મણિયારો રાસ અને રામસેના પાત્ર ગ્રુપ દ્વારા ભગવાન રામના જીવન પ્રસંગોને જીવંત કરતા પાત્રો આકર્ષણનું કેન્દ્ર બનશે. સમગ્ર વિસ્તારમાં મંડપ અને રોશનીનો એવો શણગાર છે કે ભક્તોને જૂનાગઢમાં જ અયોધ્યા હોવાનો ભાસ થઈ રહ્યો છે.
ભોજલરામ ગ્રુપના અગ્રણી મહેન્દ્રભાઈ પરમાર અને સેવા સમર્પણ ટ્રસ્ટના હોદ્દેદારોએ આ ભક્તિમય પર્વમાં સહભાગી થવા તમામ જૂનાગઢવાસીઓને ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે. આયોજકોએ મીડિયા દ્વારા કરવામાં આવી રહેલા સકારાત્મક કવરેજને પણ બિરદાવ્યું હતું. હાલમાં જૂનાગઢની જનતા ભક્તિના રંગે રંગાઈને પ્રભુ રામના જન્મોત્સવની પ્રતિક્ષા કરી રહી છે, જે જોતા લાગે છે કે આ વખતે રામનવમીની ઉજવણી ઐતિહાસિક બની રહેશે.