"જૂનાગઢ GIDC-2 માં 'ઇકોઝોન'નો ફાંસો: 220 કારખાનેદારોના ઉદ્યોગો રૂંધાયા"
- લાયસન્સ અને NOC ના મળતા બેંક લોન પણ અટકી - નવા ઉદ્યોગો સ્થાપવા પર લાગી બ્રેક.
- ગિરનાર બાયો મેડિકલ વેસ્ટને બધી જ મંજૂરીઓ, તો નાના એકમોને કેમ નહીં? - GIDC પ્રમુખના વેધક સવાલ.
- 1990 થી સ્થાપિત બિન-રાસાયણિક ઉદ્યોગો પર અન્યાયી નિયમો લાદવાનો ચેમ્બર ઓફ કોમર્સનો આક્ષેપ.
જૂનાગઢ: જૂનાગઢ જીઆઇડીસી-2 ના 220 જેટલા કારખાનેદારો હાલ સરકારી નીતિઓ અને વહીવટી તંત્રના મનસ્વી વલણ સામે મરણિયા જંગે ચડ્યા છે. ગિરનારની તળેટીમાં આવેલા આ ઔદ્યોગિક વિસ્તારમાં ઇકો સેન્સેટીવ ઝોન લાગુ કરી દેવાતા ઉદ્યોગકારોના શ્વાસ રૂંધાઈ રહ્યા છે. નવી મંજૂરીઓ કે રિન્યુઅલ પ્રક્રિયા અટકી જતાં ઉદ્યોગકારોને બેંક લોન કે અન્ય નાણાકીય સહાય પણ મળી રહી નથી.
જીઆઇડીસી પ્રમુખ પરેશ ચોવટીયા અને ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી સંજય પુરોહિતે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, 1990 થી સ્થાપિત આ જીઆઇડીસીમાં માત્ર બિન-રાસાયણિક ઉદ્યોગો છે. નિયમ મુજબ મે 2012 પહેલાની ઇન્ડસ્ટ્રીઝને ઇકોઝોન લાગુ પડતો નથી, છતાં તંત્ર હેરાનગતિ કરી રહ્યું છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે જૂનાગઢ કલેક્ટર રાણાવસીયા મૌખિકમાં સ્વીકારે છે કે અહીં ઇકોઝોન ન લાગવો જોઈએ, પરંતુ લેખિતમાં આપવા તૈયાર નથી.
તબીબોના 'પાવર' સામે તંત્ર નમ્યું? સૌથી મોટો વિવાદ 'ગિરનાર બાયો મેડિકલ વેસ્ટ' કારખાનાને લઈને છે. ઉદ્યોગકારોનો આક્ષેપ છે કે આ કારખાનું રેડ ઝોન અને ઇકોઝોન બંનેમાં આવે છે અને ઝેરી કચરાનો નિકાલ કરે છે, છતાં તેને કલેક્ટર અને જીપીસીબી દ્વારા તમામ મંજૂરીઓનું 'અભયદાન' અપાયું છે. શું તબીબોના પૈસાના પાવર સામે તંત્ર ઝૂકી ગયું છે? તેવો સવાલ જીઆઇડીસી-2 ના કારખાનેદારોમાં ચર્ચાઈ રહ્યો છે.
મંત્રીની મધ્યસ્થી આ મામલે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું છે કે, "હું આ મામલે તપાસ કરાવી રહ્યો છું. જે મેડિકલ વેસ્ટ પ્લાન્ટ રેડ ઝોનમાં હોવા છતાં ચાલી રહ્યો છે તેની તમામ વિગતો મેં મંગાવી છે. ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીઓનો અભ્યાસ કરી યોગ્ય ઉકેલ લાવવામાં આવશે."
નોંધનીય છે કે, ઉદ્યોગકારોએ છેલ્લા 4 મહિનામાં નાયબ મુખ્યમંત્રી, સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સહિતના ઉચ્ચ પદાધિકારીઓને રૂબરૂ મળી લેખિત રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો જૂનાગઢના ઉદ્યોગ જગતને મોટું આર્થિક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.