જૂનાગઢ સિવિલમાં માનવતા મરી પરવારી! આયુષ્માન કાર્ડ વગર ગરીબ મહિલાનું ઓપરેશન રોક્યું, 5 દિવસ સુધી અસહ્ય પીડામાં રઝળી વૃદ્ધા
- "પૈસા હોત તો સરકારીમાં શું કામ આવત?" - પીડિત શાંતિબેનની વેદના, સિનિયર ડોક્ટરો હાજરી પૂરીને ખાનગી પ્રેક્ટિસમાં વ્યસ્ત
- એચ.ઓ.ડી. અને પ્રોફેસરો ગાયબ, એકલા હાથે 400 દર્દીઓ તપાસવા મજબૂર રેસિડેન્ટ્સ - હોસ્પિટલમાં ચાલતા 'સફેદ લૂંટ'નો પર્દાફાશ
- લલિત પરસાણાના આકરા પ્રહાર - "સરકારી હોસ્પિટલમાં કાર્ડનો આગ્રહ કેમ?" - નિયમ વગર જ ગરીબોને ધક્કા ખવડાવતું તંત્ર
જૂનાગઢની સિવિલ હોસ્પિટલ અત્યારે વિવાદોનું કેન્દ્ર બની છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ ઇમારતમાં આધુનિક મશીનો તો છે, પણ સંવેદનાનો અભાવ જોવા મળી રહ્યો છે. ફ્રેક્ચર થયેલા હાથે 5 દિવસ સુધી ઓપરેશનની આશાએ બેઠેલા શાંતિબેનને જ્યારે સ્ટાફે એમ કહ્યું કે "કાર્ડ લાવો તો જ ઓપરેશન થશે", ત્યારે સરકારી સિસ્ટમ પર અનેક સવાલો ઉભા થયા છે.
જૂની અદાવત કે જવાબદારીમાંથી છટકબારી? સૌથી ચોંકાવનારો ઘટસ્ફોટ હોસ્પિટલના જ રેસિડેન્ટ ડોક્ટરોએ કર્યો છે. ડો. આકાશ કોરાટે મીડિયા સમક્ષ હિંમત બતાવીને કહ્યું કે, મેડિસિન વિભાગમાં 15-17 ડોક્ટરો હોવા છતાં ભીડના સમયે માત્ર જૂજ ડોક્ટરો જ હાજર હોય છે. એચ.ઓ.ડી. ડો. ભાવેશ સુરેજા જેવા સિનિયર અધિકારીઓ હાજર રહેવાને બદલે પોતાની ખાનગી હોસ્પિટલોમાં વધુ રસ દાખવતા હોવાના આક્ષેપ છે.
આયુષ્માન કાર્ડનું ગણિત હોસ્પિટલ તંત્ર આયુષ્માન કાર્ડનો આગ્રહ રાખે છે કારણ કે તેનાથી આવતા ફંડનો ઉપયોગ હોસ્પિટલના વિકાસ માટે થાય છે. પરંતુ, માનવતાના ધોરણે 'રોગી કલ્યાણ સમિતિ' (RKS) પાસે સત્તા હોવા છતાં ગરીબ દર્દીને ધક્કા ખવડાવવા એ શરમજનક છે. વિપક્ષી નેતા લલિત પરસાણાએ પૂછ્યું કે, "જો સરકારીમાં પણ કાર્ડ વગર ઈલાજ ન થતો હોય, તો ગરીબો ક્યાં જાય?"
જનતાનો સવાલ: ક્યાં છે મોનિટરિંગ? જૂનાગઢના આસપાસના 492 ગામડાના ગરીબ દર્દીઓ ભાડું ખર્ચીને અહીં આવે છે. લાખોનો પગાર લેતા ડોક્ટરો જ્યારે સવારે હાજરી પૂરીને ગાયબ થઈ જાય છે, ત્યારે તંત્ર કેમ મૌન છે? શું સીસીટીવી ફૂટેજની તપાસ કરીને આવા કામચોર ડોક્ટરો સામે કડક પગલાં લેવાશે? શાંતિબેન જેવી અનેક મહિલાઓની વેદના આજે જૂનાગઢ સિવિલના ઉંબરા પર અથડાઈ રહી છે.