Loading Please Wait !!!
જૂનાગઢ મનપા બોર્ડમાં ભ્રષ્ટાચારના આક્ષેપોથી 'ભડકો': ઓડિટમાં કરોડોના તફાવતનો દાવો, વિપક્ષે માંગ્યો જનતા માટે અકસ્માત વીમો!

  • જોષીપુરા શોપિંગ સેન્ટરનો વર્ષો જૂનો કકળાટ ઉકેલાયો – વેપારીઓને 2 માસમાં મળશે દુકાનોનો કબજો
  • જોખમી મકાનોને 5 દિવસનું અલ્ટીમેટમ – ઓડિટ પેન્ડિંગ હોવાથી લલિત પરસાણાએ ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી
  • કાળવા વોકળાની સફાઈ અને પ્રી-મોન્સૂન કામગીરી પર તોફાની ચર્ચા – જોષીપુરાથી શાંતેશ્વર સુધી નવો રોડ બનશે

જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે લોકશાહીના મેદાનમાં જંગ જેવી લાગતી હતી. બોર્ડની બેઠકમાં એક તરફ શાસક પક્ષે જોષીપુરા શોપિંગ સેન્ટર જેવા વર્ષો જૂના પ્રશ્નો ઉકેલવાની જાહેરાત કરીને 'વિકાસ' ના ગાણા ગાયા હતા, તો બીજી તરફ વિપક્ષે મનપાના પેન્ડિંગ ઓડિટ અને હિસાબોમાં રહેલા મોટા તફાવતને લઈને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા.

વિપક્ષી નેતા લલિતભાઈ પરસાણાએ બોર્ડમાં ધડાકો કરતા જણાવ્યું હતું કે, મનપાના હિસાબોમાં ₹20 લાખથી લઈને ₹1 કરોડ સુધીની વિસંગતતાઓ જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી ઓડિટ ન થવા પાછળ કોઈ મોટું કૌભાંડ હોવાની આશંકા વ્યક્ત કરી તેમણે નાણા વિભાગ પાસે તપાસની માંગ કરી છે. આ ઉપરાંત, વિપક્ષે એક અનોખી રજૂઆત કરતા કહ્યું કે, મનપાના ખરાબ રસ્તા અને ખુલ્લા ખાડાઓને કારણે થતા અકસ્માતોમાં નાગરિકોનો જીવ જાય છે, તેથી ટેક્સ ભરતા તમામ શહેરીજનો માટે મનપાએ 'સામૂહિક અકસ્માત વીમો' ઉતારવો જોઈએ.

શાસક પક્ષના નેતા મનન અભાણીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, વિકાસ કામો પક્ષપાત વગર થઈ રહ્યા છે. જોષીપુરાથી શાંતેશ્વર સુધીનો રોડ તેનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે વધુમાં વેપારીઓને ખુશખબર આપતા કહ્યું કે, જોષીપુરા માઈક્રો શોપિંગ સેન્ટરનો વિવાદ હવે ભૂતકાળ બની ગયો છે અને આગામી બે માસમાં જ દુકાનોનો કબજો સોંપી દેવામાં આવશે.

સભામાં ગરમાવો ત્યારે વધ્યો જ્યારે કોર્પોરેટર પ્રવીણ વાઘેલાના વારંવારના હસ્તક્ષેપને લઈને વિપક્ષે બોર્ડની ગરિમા જાળવવાની ટકોર કરી હતી. ચોમાસા પૂર્વે જર્જરિત ઇમારતોને ઉતારી લેવાની અને કાળવા વોકળાની સફાઈની કામગીરી પર પણ સભામાં સહમતી સધાઈ હતી. હવે જોવાનું એ રહેશે કે વિપક્ષના ભ્રષ્ટાચારના આક્ષેપોમાં કેટલી સચ્ચાઈ છે અને મનપા 'અકસ્માત વીમા' જેવી નવીન માંગને સ્વીકારે છે કે કેમ.