કોંગ્રેસના સ્ટાર પ્રચારક જીગ્નેશ મેવાણીની રેલીમાં ‘કાળા ઝંડા’: સરસપુર-રખિયાલમાં કોંગ્રેસી
-
વંટોળસિનિયર નેતાઓની ખેંચતાણમાં પાયાના કાર્યકરોની ટિકિટ કપાતા બબાલ; છેલ્લી ઘડીએ મેન્ડેટ બદલવો ભારે પડશે?
-
પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલની હાજરીમાં જ સ્ટાર પ્રચારકનો વિરોધ; પોલીસ કાફલા વચ્ચે યોજાયો પ્રચાર
- ટિકિટ વહેંચણીનો વિવાદ શેરીઓ સુધી પહોંચ્યો; સ્ટાર પ્રચારક મેવાણીની અમદાવાદની મુલાકાત વિવાદાસ્પદ બની
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ગઈકાલે (19 એપ્રિલ) આશ્ચર્યજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. સરસપુર-રખિયાલ વોર્ડની પેનલના પ્રચાર માટે યોજાયેલી રેલીમાં કોંગ્રેસના જ અસંતુષ્ટ કાર્યકરોએ જીગ્નેશ મેવાણી અને ઉમેદવારોનો કાળા ઝંડા બતાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો.
ટિકિટ વહેંચણીનો કકળાટ શેરીઓમાં આવ્યો આ વિવાદ પાછળ ટિકિટ વહેંચણીમાં થયેલી અન્યાયની લાગણી જવાબદાર છે. સરસપુર-રખિયાલ વોર્ડમાં છેલ્લી ઘડીએ મેન્ડેટ બદલીને સક્રિય કાર્યકરોની ટિકિટ કાપવામાં આવતા રોષ ભભૂક્યો હતો. જ્યારે જીગ્નેશ મેવાણી અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલની હાજરીમાં રેલી મન્સૂરીની ચાલી પાસે પહોંચી, ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરોએ 'હાય હાય'ના નારા લગાવી અને કાળા વાવટા ફરકાવી મેવાણીને અટકાવ્યા હતા.
શકીલ ઘાંચીના આક્ષેપો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી સેલના પૂર્વ મહામંત્રી શકીલ ઘાંચીએ આ વિરોધનું નેતૃત્વ કર્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે, "મારી પત્નીની ટિકિટ કન્ફર્મ થયા પછી અને અમે ઉજવણી કર્યા બાદ છેલ્લી ઘડીએ હિંમતસિંહ પટેલે દબાણ લાવી ટિકિટ કાપી નાખી હતી. અમે સક્રિય કાર્યકરો હોવા છતાં અમારી અવગણના થઈ છે, તેથી જ આ વિરોધ કરવામાં આવ્યો છે."
પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રચાર રેલીમાં એક તરફ સમર્થકો 'પંજા વાલા જીતેગા'ના નારા લગાવતા હતા, તો બીજી તરફ અસંતુષ્ટો વિરોધ કરી રહ્યા હતા. પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે રેલીના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ચૂંટણી ટાણે જ પક્ષમાં ઉભી થયેલી આ જૂથબંધી કોંગ્રેસના પરિણામો પર મોટી અસર કરી શકે છે.