Loading Please Wait !!!
જામનગરમાં ધોરણ 10-12 પૂરક પરીક્ષાનો પ્રારંભ: પ્રથમ દિવસે એકપણ કોપી કેસ નહીં, માહોલ શાંતિપૂર્ણ

બોર્ડની ગાઇડલાઇન સાથે ચુસ્ત વ્યવસ્થા વચ્ચે ગણિત અને આંકડાશાસ્ત્રના પેપર લેવાયા

ધોરણ 10 ગણિતમાં 441 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 90 પરીક્ષાર્થીઓ ગેરહાજર નોંધાયા

ધોરણ 10 ગણિતની પરીક્ષામાં 1653 અને ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં 330 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા

સિટી ન્યુઝ @ જામનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજથી ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત જામનગર જિલ્લામાં પણ વિવિધ નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો પર અત્યંત શાંતિપૂર્ણ અને સુચારુ માહોલમાં પરીક્ષાઓ યોજાઈ હતી. જિલ્લા શિક્ષણ વિભાગના સત્તાવાર અહેવાલ અનુસાર, બોર્ડની કડક માર્ગદર્શિકા વચ્ચે લેવાયેલી આ પરીક્ષાના પ્રથમ દિવસે સમગ્ર જિલ્લામાં એકપણ કોપી કેસ કે ગેરરીતિ નોંધાઈ નથી, જે તંત્ર માટે રાહતના સમાચાર છે.

પરીક્ષાના પ્રથમ દિવસના આંકડાકીય વિગતોની વાત કરીએ તો, ધોરણ 10 ની પૂરક પરીક્ષામાં આજે વિદ્યાર્થીઓ માટે મહત્વના ગણિત વિષયનું પેપર લેવાયું હતું. આ પરીક્ષા આપવા માટે જામનગર જિલ્લામાંથી કુલ 2,094 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 1,653 વિદ્યાર્થીઓ કેન્દ્રો પર હાજર રહ્યા હતા, જ્યારે 441 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. આ ઉપરાંત, ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષામાં આજે આંકડાશાસ્ત્ર (સ્ટેટિસ્ટિક્સ) વિષયની કસોટી યોજાઈ હતી. આ વિષય માટે જિલ્લામાં કુલ 390 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 330 વિદ્યાર્થીઓએ હાજર રહીને પરીક્ષા આપી હતી અને 90 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા અને ચુસ્ત સ્ક્વોડ સહિતની જરૂરી તમામ વ્યવસ્થાઓ અગાઉથી જ ગોઠવી દેવામાં આવી હતી. પ્રથમ દિવસના પ્રથમ સત્રમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ કોઈ પણ અનિચ્છનીય ઘટના વગર સુચારુ રીતે પૂર્ણ થતાં શિક્ષણ અધિકારીઓએ સંતોષ વ્યક્ત કર્યો છે. આગામી દિવસોમાં પણ બાકી રહેતા વિષયોની પરીક્ષાઓ આ જ પ્રકારે પારદર્શક અને ભયમુક્ત વાતાવરણમાં લેવાય તે માટે તંત્ર સજ્જ છે.

ચુસ્ત સુરક્ષા અને બોર્ડની ગાઇડલાઇનનું પાલન જામનગર જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ શાંતિથી પેપર લખી શકે તે માટે બેઠક વ્યવસ્થા અને પીવાના પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ હતી. બોર્ડના આદેશ અનુસાર સરકારી પ્રતિનિધિઓ અને ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા કેન્દ્રોનું સતત ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું હતું, જેના કારણે પ્રથમ દિવસે ગેરરીતિનો આંકડો શૂન્ય રહ્યો હતો.